સ્પોર્ટસ

T20 World Cup: પાકિસ્તાન ભારત સામે મેચ રમવા તૈયાર! PCBએ ICC સામે 3 શરતો મૂકી

લાહોર: બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાને ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) પર કડક પ્રતિબંધો લગાવવાની તૈયારી શરુ કરી હતી. એવામાં આ ઘટનાક્રમમાં મોટો વળાંક આવ્યો છે, ગઈ કાલે લાહોરમાં ICC અને PCBના અધિકારીઓ વચ્ચે એક બેઠા યોજાઈ હતી. અહેવાલ મુજબ પાકિસ્તાન ભારત સામે મેચ રમવા તૈયાર થયું છે, પરંતુ કેટલીક શરતો મૂકી છે.

નોંધનીય છે કે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાનની મેચથી ICCને તગડી કમાણી થતી હોય છે, માટે ICC PCBને મનાવવાના પ્રયાસ કરી રહ્યું કે તે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે મેચ રમવા પોતાની ટીમ મોકલે. બીજી તરફ શ્રીલંકા ક્રિકેટ(SC)એ પણ PCBના વડા મોહસીન નકવીને ઈમેઈલ કરીને બહિષ્કારના નિર્ણય અંગે પુનર્વિચાર કરવા કહ્યું હતું. ગઈ કાલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ના વડા પણ લાહોર પહોંચ્યા હતાં અને PCBના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

PCBએ આ ત્રણ શરતો મૂકી:
અહેવાલ મુજબ લાહોરમાં ICC અને PCBના અધિકારીઓ વચ્ચે થયેલી મીટીંગમાં મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ PCB ભારત સામે મેચ રમવા તૈયાર છે. PCBએ ICC સમક્ષ ત્રણ શરતો મૂકી છે (1) બાંગ્લાદેશને મળતા વળતરમાં વધારો કરવામાં આવે, (2) T20 વર્લ્ડ કપમાંથી બહાર રહેવા છતાં બાંગ્લાદેશને ભાગીદારી ફી આપવામાં આવે અને (3) બાંગ્લાદેશને ભવિષ્યમાં ICC ઇવેન્ટ માટે હોસ્ટ કરવા માટેનાં અધિકારો આપવામાં આવે.

જો કે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

વડા પ્રધાન સાથે મુલાકાત બાદ અંતિમ નિર્ણય:
અહેવાલ મુજબ PCBના કેટલાક અધિકારીઓ ભારત સામે મેચ રમવા માટે તૈયાર છે, ત્યારે PCBના અધ્યક્ષ મોહસીન નકવી સહમત નથી. મોહસીન નકવી સોમવારે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ સાથે મુલાકાત કરવાના છે, તેમની સલાહ મુજબ તેઓ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો…ભારતના મુદ્દે પાકિસ્તાન અને શ્રીલંકા સાથે આઇસીસીની મંત્રણા, પણ બાંગ્લાદેશના ચીફ લાહોરમાં!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button