IND vs PAK, ચેમ્પિયન્સ ટ્રોફી 2025: પાકિસ્તાનને ભારતનો લાગ્યો ડર, આઇસીસીને કરી આ વિનંતી
એશિયા કપ 2023 અને ICC ODI વર્લ્ડ કપ 2023 પછી, ફરી એકવાર ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આ સંઘર્ષ પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને થઇ રહ્યો છે.
દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સંઘર્ષની શરૂઆત કરવામાં આવી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન કરવાનું છે, પરંતુ હજુ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. આવી સ્થિતિમાં PCBએ ICCને આ કરાર પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી છે અને આ બહાને બીજી વિનંતી પણ કરી દીધી છે.
વાત એમ છે કે પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ, BCCI તેની ભારતીય ટીમને રાજકીય અને સુરક્ષા કારણોસર પાકિસ્તાનના પ્રવાસે નહીં મોકલે. પીસીબીએ આઈસીસીને કહ્યું છે કે જો બીસીસીઆઈ કોઈપણ કારણસર તેમના દેશમાં ખેલાડીઓને મોકલવાનો ઈન્કાર કરે છે તો પીસીબીને વળતર આપવું જોઈએ.
પીસીબીના એક જાણીતા સૂત્રએ આ માહિતી આપી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે PCBના અધ્યક્ષ ઝકા અશરફ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) સલમાન નસીર વર્લ્ડ કપ દરમિયાન જ અમદાવાદમાં ICC એક્ઝિક્યુટિવ બોર્ડને મળ્યા હતા. આ દરમિયાન પીસીબીના બંને અધિકારીઓએ ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગે ચર્ચા કરી હતી.
પીસીબીના સૂત્રએ કહ્યું હતું કે, ‘પાકિસ્તાની અધિકારીઓએ બીસીસીઆઈ દ્વારા તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ફરીથી ઈન્કાર કરવાની સંભાવના પર ચર્ચા કરી હતી. તે બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી કે કોઈપણ સંજોગોમાં આઈસીસીએ ટૂર્નામેન્ટ અંગે એકપક્ષીય નિર્ણય લેવો જોઈએ નહીં.
પીસીબીના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં ઘણી ટોચની ટીમોએ સુરક્ષાની ચિંતા વિના પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો ભારત ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ નહીં મોકલે અને તેની મેચો અન્ય દેશમાં યોજાય તો ICCએ પાકિસ્તાનને આ માટે વળતર આપવું પડશે.
PCB અધિકારીઓએ ICCને કહ્યું હતું કે જો ભારત સુરક્ષા કારણોસર પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરે છે, તો આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વતંત્ર સુરક્ષા એજન્સીની નિમણૂક કરવી જોઈએ. પીસીબીએ કહ્યું કે આ એજન્સી ભારત સિવાય અન્ય ભાગ લેનારી ટીમોની સુરક્ષા સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે પાકિસ્તાન સરકાર અને સુરક્ષા અધિકારીઓ સાથે સંપર્ક કરી શકે છે.
નોંધનીય છે કે એશિયા કપ 2023 પણ પાકિસ્તાનની યજમાની હેઠળ જ રમાયો હતો, પરંતુ BCCIએ પોતાની ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ એશિયા કપ હાઇબ્રિડ મોડલ હેઠળ યોજાયો હતો. એટલે કે 4 મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી અને ફાઈનલ સહિત બાકીની 9 મેચ શ્રીલંકાની ધરતી પર યોજાઈ હતી. ભારતે તેની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી. આ ટુર્નામેન્ટ ભારતે જીતી હતી.