
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઝકા અશરફે ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વિપક્ષીય સિરીઝ માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું છે કે પીસીબી અને બીસીસીઆઈ આ દ્વિપક્ષીય શ્રેણી માટે પોતપોતાના દેશોની સરકારોની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.
PCB ચીફ ઝાકા અશરફે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘જ્યાં સુધી ભારત-પાકિસ્તાન સિરીઝનો સવાલ છે તો બંને દેશોના ક્રિકેટ બોર્ડ તૈયાર છે. સરકાર તરફથી મંજૂરી મેળવવામાં માત્ર વિલંબ થઈ રહ્યો છે.’
ઝકા અશરફના આ નિવેદન બાદ BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે, ભારતના રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે થોડા મહિના પહેલા ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બીસીસીઆઈએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સરહદ પર હુમલા અને ઘૂસણખોરી બંધ ન થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સિરીઝ નહીં રમીએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 11 વર્ષથી કોઈ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. છેલ્લી વખત પાકિસ્તાને જાન્યુઆરી 2013માં T20 અને ODI શ્રેણી માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદથી બંને દેશો વચ્ચે સરહદો પર તણાવને કારણે કોઈ દ્વિપક્ષીય શ્રેણી થઈ નથી.
2008ના મુંબઈ આતંકવાદી હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ છે. ત્યાર બાદથી બંને દેશો વચ્ચેના માત્ર વેપારને જ નહીં, કલાથી લઈને રમતગમત સુધીની દરેક બાબતો પર નકારાત્મક અસર પડી છે. જ્યારે પાકિસ્તાની ગાયકો અને કલાકારોને બોલિવૂડમાં પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, પાકિસ્તાની ક્રિકેટરો પર IPL રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
થોડા સમય પછી બંને દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા, પાકિસ્તાન ટીમે ભારતન પ્રવાસે આવી હતી, પરંતુ 2013 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધો ફરીથી બગડ્યા અને બંને દેશો વચ્ચે ક્રિકેટ રમવાનું બંધ થઇ ગયું.
હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની ઈવેન્ટ દરમિયાન જ ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે રમે છે