IND vs PAK: બહિષ્કાર વિવાદ બાદ પાકિસ્તાનને શું મળ્યું? મોહસીન નકવીએ આપ્યો આવો જવાબ

લાહોર: ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચના બહિષ્કાર મામલે પાકિસ્તાને યુ-ટર્ન લીધો છે, પાકિસ્તાન સરકારે તેમની ટીમને 15 ફેબ્રુઆરીએ ભારત સામે આયોજીત મેચ રમવા મંજુરી આપી દીધી છે. હવે ભારત સામે નિવેદનો આપનાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) વડા મોહસીન નકવીને જવાબ આપવો અઘરો પડી રહ્યો છે.
ભારત સામેની મેચ રમાવાની સત્તાવાર જાહેરાત થાય એ પહેલા મોહસીન નકવીએ પાકિસ્તાન સુપર લીગ (PSL) ની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. આ દરમિયાન પત્રકારોએ તેમને ભારત સામેની મેચના બહિષ્કારના વલણ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
પત્રકારોએ નકવીને પૂછ્યું ICC સાથેની વાટાઘાટો દરમિયાન શું પાકિસ્તાને કોઈ છૂટછાટ મેળવી છે? નકવીએ જવાબ આપ્યો કે, “અમે અમારા માટે કશું નથી કર્યું.”
પત્રકારે નકવીને પૂછ્યું “શું સારા સમાચાર આવી રહ્યા છે?”
નકવી જવાબ આપતા કહ્યું, “બસ થોડી વારમાં નિર્ણય આવી જશે, અમે હંમેશા સારા સમાચાર આપીએ છીએ. તમે બાંગ્લાદેશનું સ્ટેટમેંટ જોયું જ હશે. બાંગ્લાદેશે પાકિસ્તાનને મેચ રમવાની વિનંતી કરી છે. તેમના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે, એટલે તેમણે આ વિનંતી કરી હતી.”
પત્રકારે પુછ્યુકે આ બધામાંથી પાકિસ્તાનને શું મળ્યું, જેના જવાબમાં નકવીએ કહ્યું ” અમે બાંગ્લાદેશ માટે સ્ટેન્ડ લીધું હતું. આ તેમની બાબત હતી, આપણે આપણા માટે કંઈ નથી કર્યું.”
બાંગ્લાદેશના સમર્થનમાં અગાઉ પાકિસ્તાન સરકારે T20 વર્લ્ડ કપમાં ભારત સામેની મેચનાં બહિષ્કારની જાહેરાત કરી હતી, ત્યાર બાદ PCB અને ICC વચ્ચે સંખ્યાબંધ બેઠકો યોજાઈ હતી. ગઈ કાલે લાહોરમાં યોજાયેલી બેઠકમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ના વડા પણ જોડાયા હતાં, આ બેઠક બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે પાકિસ્તાન ભારત સામે મેચ રમવા તૈયાર છે.
આ પણ વાંચો…T20 વર્લ્ડ કપ 2026: ભારત વિરુદ્ધ મેચ પર પાકિસ્તાની બોલરનું ચોંકાવનારું નિવેદન…



