આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંની મોટી ઇવેન્ટ રદ કરી, શું હવે મુખ્ય ટૂર્નામેન્ટ પણ…
દુબઈ/કરાચી: બીસીસીઆઈ કોઈ પણ સંજોગોમાં ટીમ ઇન્ડિયાને આગામી ફેબ્રુઆરીની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે પાકિસ્તાન નહીં જ મોકલે. બીજી બાજુ, પાકિસ્તાન આખી ટૂર્નામેન્ટ પોતાને ત્યાં જ રખાવવા મક્કમ છે. ગયા વર્ષના એશિયા કપ જેવું હાઇબ્રિડ મોડેલ સ્વીકારવા હમણાં પાકિસ્તાન તૈયાર નથી જ. આ સ્થિતિમાં આઈસીસીએ એક મોટું અને ચોકાવનારું પગલું ભર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાંના 100 દિવસના કાઉન્ટડાઉનની શરૂઆત નિમિત્તે સોમવાર, 11મી નવેમ્બરે લાહોરમાં એક ઇવેન્ટ થવાની હતી જે આઈસીસીએ રદ કરી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પાછી ઘણા વર્ષે રમાવાની છે, પરંતુ ભારતના હાલના મક્કમ તથા વ્યાજબી વલણ અને પાકિસ્તાનના જક્કી વલણ વચ્ચે આઈસીસીની હાલત ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે.
આ સંજોગોમાં આઇસીસી આગામી 19મી ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં યોજાનારી આઠ દેશ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ પણ રદ કરી નાખશે તો નવાઈ નહીં લાગે. જોકે એ પહેલાં, પાકિસ્તાનને હાઇબ્રિડ મોડેલ અપનાવવા સમજાવવામાં આવી રહ્યું છે. એ વ્યવસ્થા અપનાવાશે તો ભારતની તમામ મૅચો યુએઈમાં (દુબઈમાં) રમાશે. ગયા વર્ષે ભારતની એશિયા કપની મૅચો શ્રીલંકામાં રમાઈ હતી.
આ પણ વાંચો…..ટીમ ઇન્ડિયાને આજે પોતાના જ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો
પાકિસ્તાન દાયકાઓથી ભારત-વિરોધી આતંકવાદીઓને પંપાળી રહ્યું છે. પાકિસ્તાનમાં છાશવારે આતંકવાદી હુમલા પણ થતા રહે છે. ટીમ ઇન્ડિયાને જો પાકિસ્તાન મોકલવામાં આવે તો ખેલાડીઓ પર બહુ મોટો ખતરો ઊભો થઈ શકે. એ જોતાં, ભારત સરકાર કદી પણ ખેલાડીઓને પાકિસ્તાન મોકલવાની મંજૂરી આપે નહીં. જોકે ખુદ ભારતીય ખેલાડીઓ તેમ જ બીસીસીઆઈ પણ ભારત સરકારની તરફેણમાં છે.
હવે ચેમ્પિયન્સ ટ્રોફીની બાબતમાં અંતિમ નિર્ણય શું લેવો એ આઇસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે નક્કી કરવાનું છે.