પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરફરાઝને પાકિસ્તાન-એ અને અંડર-19 ટીમની સોંપી જવાબદારી…

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ભૂતપૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદને પાકિસ્તાન શાહીન (એ ટીમ) અને અંડર-19 ટીમોના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સરફરાઝ ગયા વર્ષથી બોર્ડ સાથે જોડાયેલો છે અને હવે બંને ટીમો સંબંધિત તમામ કામગીરીનું નેતૃત્વ કરશે.
પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “તમે કહી શકો છો કે તે પાકિસ્તાન શાહીન અને જૂનિયર ટીમોના ડિરેક્ટર છે અને જરૂર પડ્યે વિદેશ પ્રવાસોમાં પણ તેમની સાથે રહેશે.”

સૂત્રના જણાવ્યા અનુસાર શાહીન અને અંડર-19 ટીમોના કોચ, પસંદગીકારો અને સપોર્ટ સ્ટાફ હવે સરફરાઝને રિપોર્ટ કરશે.તે બંને ટીમો માટે કોચ અથવા સપોર્ટ સ્ટાફની નિમણૂક અંગેના કોઈપણ નિર્ણયોમાં સામેલ રહેશે.
સરફરાઝ ગયા વર્ષે હવે બંધ થઈ ગયેલા ચેમ્પિયન્સ કપમાં એક સ્થાનિક ટીમના માર્ગદર્શક તરીકે બોર્ડમાં જોડાયા હતા અને ત્યાર બાદ તેમને ક્રિકેટ બાબતોમાં ચેરમેનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ એવું લાગે છે કે ભૂતપૂર્વ કેપ્ટન પોતે યુવા પ્રતિભા અને કોચ સાથે કામ કરવામાં વધુ રસ ધરાવતા હતા અને નવી જવાબદારીઓ સ્વીકારી હતી.
પાકિસ્તાને છેલ્લે તેમના કેપ્ટનશીપ હેઠળ આઈસીસી ટાઇટલ જીત્યું હતું જ્યારે તેઓએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને પછાડ્યું હતું. પાકિસ્તાન બોર્ડે શાહીન અને અંડર-19 ટીમોના કોચ અને સપોર્ટ સ્ટાફ, કેપ્ટનોને પણ બદલવાનું વલણ દર્શાવ્યું છે, પરંતુ સરફરાઝે ચેરમેનને યોગ્ય જવાબદારી અને યોગ્ય ખેલાડીઓના વિકાસને સુનિશ્ચિત કરવા માટે લાંબા ગાળાની નિમણૂકો કરવાની સલાહ આપી હોય તેવું લાગે છે.
આ પણ વાંચો…પાંચ દિગ્ગજ ક્રિકેટરોની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી હકાલપટ્ટીઃ જાણો, શેમાંથી અને શું હતું કારણ…



