
નવી દિલ્હી : વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કંગાળ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ‘મોટા ઓપરેશન’એટલે કે સફાઇના મૂડમાં છે. પસંદગી સમિતિના અધ્યક્ષ ઇન્ઝમામ ઉલ હકે પહેલેથી જ રાજીનામું આપી દીધું છે, હવે પીસીબીએ સમગ્ર પસંદગી સમિતિને જ બરતરફ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીમ ડાયરેક્ટર મિકી આર્થરને પણ પદ પરથી હટાવવામાં આવી શકે છે.
ટીમના બોલિંગ કોચ મોર્ને માર્કલે તો પહેલા જ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નહીં હોવાથી માર્કેલે ભારતથી પરત ફરતાની સાથે જ રાજીનામું આપી દીધું હતું. તેમને 6 મહિનાના કરાર પર જૂનમાં પાકિસ્તાનના બોલિંગ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પીસીબીએ તેમના રાજીનામાની જાહેરાત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાની ટીમના બાબર આઝમ પણ કેપ્ટન્સી છોડી શકે છે.
વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાનની ટીમ 9 મેચમાંથી ચાર મેચમાં જીત સાથે માત્ર 8 જ પોઈન્ટ બનાવી શકી હતી અને તે પાંચમા સ્થાને રહી હતી. બાબર આઝમની ટીમે નેધરલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, પણ તેને ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંને મોરચે ખરાબ રીતે નિષ્ફળ ગયા હતા. પાકિસ્તાની બોલિંગને એક સમયે ટીમની તાકાત માનવામાં આવતી હતી, પરંતુ શાહીન આફ્રિદીને બાદ કરતાં હરિસ રઉફ અને હસન અલી જેવા ઝડપી બોલરો અને શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ જેવા સ્પિન બોલરોએ ટીમને નિરાશ કર્યા હતા.