રોહિત જેવું હવે કમિન્સ શ્રીલંકામાં કરશે, કારણ કે તેની પત્ની…
સિડની: ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પૅટ કમિન્સનો ગોલ્ડન પિરિયડ ચાલી રહ્યો છે જેમાં પહેલાં ગયા વર્ષે તેના સુકાનમાં ઑસ્ટ્રેલિયા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઈનલ જીત્યું, ત્યાર પછી ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ પણ ઑસ્ટ્રેલિયા જીત્યું અને હવે તેની જ કેપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે ભારતને ટેસ્ટ સિરીઝ 3-1થી હરાવીને ફરી એક વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેનો સુવર્ણ કાળ હજી ચાલુ જ છે, કારણકે તેના ઘરે થોડા જ દિવસમાં નવજાત શિશુનું આગમન થવાનું છે.
આ પણ વાંચો : અરે ભાઈ! ક્રિકેટ વિશે અમને ક્યાં કંઈ આવડે છે?ઃ સુનીલ ગાવસકર…
દોઢ મહિના પહેલાં રોહિત શર્માની પત્ની રિતિકા બીજા બાળકને જન્મ આપવાની હોવાથી રોહિત પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો. તે ઑસ્ટ્રેલિયા મોડો પહોંચ્યો હતો અને બીજી ટેસ્ટથી તેણે સિરીઝમાં રમવાનું શરૂ કર્યું હતું.
ઑસ્ટ્રેલિયાની ટીમ આ મહિને બે ટેસ્ટની શ્રેણી રમવા માટે શ્રીલંકા જવાની છે. બંને ટેસ્ટ ગૉલ શહેરમાં રમાશે. જોકે પૅટ કમિન્સની પત્ની બેકી બૉસ્ટન બીજા બાળકને જન્મ આપવાની તૈયારીમાં છે એટલે કમિન્સ શ્રીલંકામાં પહેલી ટેસ્ટ તો લગભગ નહીં જ રમે. તે શ્રીલંકા મોડો પહોંચવાનો છે.
કમિન્સ શ્રીલંકા સામેની સિરીઝમાં મોડો આવવાનો હોવાથી સ્ટીવ સ્મિથ તેની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયાની ટીમનું સુકાન સંભાળશે.
કમિન્સે રવિવારે ભારત સામેની સિરીઝ જીતી લીધા પછી ટ્રોફી સ્વીકારતી વખતે આપેલા ઇન્ટરવ્યૂમાં જ સંકેત આપ્યો હતો કે તે શ્રીલંકા કદાચ મોડો જશે.
કમિન્સ અને બેકીએ 2020માં સગાઈ કરી હતી અને 2022માં તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. જોકે એ દરમ્યાન 2021ની સાલમાં બેકીએ પુત્રને જન્મ આપ્યો હતો. કમિન્સ અને બેકીનો એ પુત્ર ત્રણ વર્ષનો છે અને તેનું નામ ઍલ્બી છે.
આ પણ વાંચો : ટ્રોફી મારા નામની, હું મેદાન પર જ હતો અને મને જ સમારોહમાં આમંત્રણ નહીં?: સુનીલ ગાવસકર
પત્ની બેકી ફરી પ્રેગ્નન્ટ હોવાની કમિન્સે થોડા મહિના પહેલાં જાહેરાત કરી ત્યાર બાદ બેકીએ બેબી બમ્પ સાથે કેટલાક પોઝ પણ આપ્યા હતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.