આઈપીએલમાં કમિન્સ સતત ત્રીજી સીઝનમાં સંભાળશે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ

હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઝડપી બોલર પેટ કમિન્સને આજે સતત ત્રીજી ઈન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ) સીઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદે (એસઆરએચ) કેપ્ટન બનાવ્યો હતો. એસઆરએચ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કમિન્સને કેપ્ટન બનાવવાની પુષ્ટી કરી હતી.
કમિન્સને પીઠની ઈજાને કારણે પર્થમાં પ્રથમ એશિઝ ટેસ્ટમાંથી સત્તાવાર રીતે બહાર કરવામાં આવ્યો છે, પરંતુ બ્રિસ્બેનમાં બીજી મેચ માટે તે તૈયાર રહે તેવી અપેક્ષા છે.
સ્ટીવ સ્મિથ 21 નવેમ્બરથી શરૂ થનારી ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે. બ્રિસ્બેનમાં બીજી ટેસ્ટ 4 ડિસેમ્બરથી શરૂ થશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સફળતા બાદ 2024માં આઈપીએલ ખેલાડીઓની હરાજીમાં ફ્રેન્ચાઇઝી દ્વારા 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ કમિન્સે 2024માં દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ પાસેથી હૈદરાબાદની કેપ્ટનશીપ સંભાળી હતી. કમિન્સ અગાઉ આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ માટે રમી ચૂક્યો છે.



