ત્રીજી એશિઝ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમની તાકાત વધી: આ ખેલાડી કરશે કમબેક

મેલબોર્ન: એશિઝ સિરીઝ 2025-26ની પહેલી બે મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે જીત મેળવી છે, ત્રીજી ટેસ્ટ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડ ઓવલ ખાતે રમાશે. એ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમની તાકાત વધી છે. ઈજામાંથી પસાર થઇ રહેલો ટીમનો રેગ્યુલર કેપ્ટન પેટ કમિન્સ સ્વસ્થ થઇ ગયો છે અને ટીમમાં પરત ફર્યો છે. તે પાંચ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એશિઝની ત્રીજી ટેસ્ટ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સિરીઝની પહેલી બે મેચમાં સ્ટીવ સ્મિથે ટીમની આગેવાની કરી હતી, હવે પેટ કમિન્સને ટીમની કમાન હાથમાં લેશે. પેટ કમિન્સ એડિલેડ ટેસ્ટમાં બોલિંગ કરતો જોવા મળશે. જેને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ સારું પ્રદર્શન કરીને સિરીઝ પર કબજો કરવાના ઈરાદે મેદાને ઉતરશે.
પેટ કમિન્સને થઇ હતી ઈજા:
કમરના નીચલા ભાગમાં ખેંચાણની સમસ્યાને કારણે પેટ કમિન્સ એશિઝની પહેલી બે ટેસ્ટ રમી શક્યો ન હતો. આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી, પાંચ મહિના બાદ તેના કમબેક પર સૌની નજર રહેશે.
ઇજામાંથી સારી રિકવરીને ધ્યાનમાં રાખીને કમિન્સ બીજી ટેસ્ટમાં પણ રમી શકતો હતો, પરંતુ તેના બદલે કમિન્સે ત્રીજી ટેસ્ટ માટે વધુ તૈયારી કરવાનું પસંદ કર્યું હતું, તેણે મેચ સિમ્યુલેશન હેઠળ ઘણાં સ્પેલ ફેંક્યા હતાં. પેટ કમિન્સે 71 ટેસ્ટ મેચમાં 22.10ની એવરેજથી 309 વિકેટ લીધી છે.
પ્લેઇંગ-11 માટે કન્ફયુઝન:
ઉસ્માન ખ્વાજાએ પર્થમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો અને પીઠની ઈજાને કારણે ગાબ્બા ટેસ્ટમાં રમી શક્યો ના હતો, છતાં પણ ત્રીજી ટેસ્ટ માટે તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નાથન લિયોનનો પણ સ્ક્વોડમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેને પ્લેઇંગ-11ની પસંદગી માટે ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટને કેટલાક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. સ્કોટ બોલેન્ડ, માઈકલ નેસર અને બ્રેન્ડન ડોગેટમાંથી બે ખેલાડીઓને બહાર બેસાડવામાં આવી શકે છે.
ત્રીજી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન સ્કવોડ:
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, બ્રેન્ડન ડોગેટ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, માઈકલ નેસર, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, જેક વેધરલ્ડ, બ્યુ વેબસ્ટર.
આપણ વાંચો: કટકમાં સાઉથ આફ્રિકાને ભારતનો જોરદાર કરન્ટ, 101 રનથી હરાવ્યું…



