સ્પોર્ટસ

વાત જરાય ખોટી નથી…પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને રણજી ટ્રોફી રમતા કરી દીધા!

રોહિત, યશસ્વી અને પંત પછી હવે રાહુલનો પણ ફ્લૉપ-શૉ

મુંબઈ/નવી દિલ્હીઃ ભારતના વર્તમાન ક્રિકેટરો (ખાસ કરીને દિગ્ગજ ટેસ્ટ ખેલાડીઓ) પાંચથી બાર વર્ષ જેટલા લાંબા સમયથી દેશની સર્વોચ્ચ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં નહોતા રમ્યા, પરંતુ તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતે ખાસ કરીને ટૉપ-ઑર્ડર બૅટિંગના ફ્લૉપ-શૉને કારણે 1-3થી પરાજય જોવો પડ્યો અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માંથી બાદબાકી થતી જોવી પડી એને પગલે સોશિયલ મીડિયામાં ભારતીય ખેલાડીઓની ખૂબ ટીકા થઈ જ છે, ખાસ કરીને ઑસ્ટ્રેલિયન ટીમના વિજયી સુકાની પૅટ કમિન્સનું નામ લેવામાં આવી રહ્યું છે.

મીડિયામાં કહેવામાં આવ્યું છે કે ઑસ્ટ્રેલિયાના સફળ કેપ્ટન પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને ફરી રણજી ટ્રોફી રમતા કરી દીધા છે. ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે 0-3થી હાર્યા બાદ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં 1-3થી પરાજિત થયો એને પગલે બીસીસીઆઇએ તમામ ખેલાડીઓને ડોમેસ્ટિક મૅચોમાં રમવાની સૂચના આપી હતી.

આપણ વાંચો: રોહિતનું રણજી ટ્રોફીમાં કમબૅક આટલા જ બૉલમાં સમેટાઈ ગયું, જુઓ કેટલા રનમાં આઉટ થયો…

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ તાજેતરમાં મુંબઈ વતી જમ્મુ અને કાશ્મીર સામેની રણજી મૅચમાં રમ્યા હતા જેમાં પણ તેઓ સારું રમવામાં નિષ્ફળ ગયા હતા. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)ના મેદાન પર રમાયેલી આ મૅચમાં રોહિત 3 તથા 28 રન બનાવી શક્યો હતો, જ્યારે યશસ્વીનો સ્કોર 4 અને 26 રન હતો.

પાટનગર દિલ્હીમાં રિષભ પંત દિલ્હી વતી સૌરાષ્ટ્ર સામે રમ્યો હતો અને તે પણ ફ્લૉપ ગયો હતો. પહેલા દાવમાં તે એક રન અને બીજા દાવમાં 17 રન બનાવી શક્યો હતો.

શુભમન ગિલ બેન્ગલૂરુમાં પંજાબ વતી રમ્યો હતો અને તે પહેલા દાવમાં સારું નહોતો રમી શક્યો. કર્ણાટક સામેની રણજી મૅચમાં કૅપ્ટન ગિલ ચાર રન બનાવી શક્યો હતો. જોકે બીજા દાવમાં તેણે સેન્ચુરી (102) ફટકારી હતી એમ છતાં પંજાબે પરાજય જોવો પડ્યો હતો.

આપણ વાંચો: Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે

કેએલ રાહુલ પણ ઑસ્ટ્રેલિયાના નિષ્ફળ પ્રવાસનો ખેલાડી હતો. તે આજે પાંચ વર્ષે પહેલી વાર રણજીમાં રમ્યો છે. કર્ણાટકના રાહુલે હોમટાઉન બેન્ગલૂરુમાં આજે 26 રનના પોતાના સ્કોર પર પેસ બોલર અંશુલ કમ્બોજના બૉલમાં વિકેટકીપરને કૅચ આપી દીધો હતો.

ઑસ્ટ્રેલિયાના પ્રવાસેથી પાછા આવેલા ખેલાડીઓમાં માત્ર રવીન્દ્ર જાડેજા સારું રમ્યો હતો. તેણે દિલ્હી સામેની મૅચમાં કુલ 12 વિકેટ લઈને સૌરાષ્ટ્રને વિજય અપાવ્યો હતો.

ઑસ્ટ્રેલિયામાં ભારતને વિજય ન અપાવી શકનાર વિરાટ કોહલીએ બાર વર્ષે ફરી રણજીમાં રમવા મેદાન પર ઊતરવું પડ્યું છે. આજે તેણે દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામેની મૅચમાં હજારો ચાહકોના અભિવાદન વચ્ચે ચાર દિવસીય મૅચ રમવાની શરૂઆત કરી હતી. તેણે ઘણી પ્રૅક્ટિસ કરી છે અને હવે તેની બૅટિંગ પર સૌની નજર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button