Australia vs Bangladesh: 2024ના વર્લ્ડ કપની પહેલી હૅટ-ટ્રિક લીધી આ બોલરે…

ઍન્ટિગા: ટી-20 વર્લ્ડ કપની છેક 44મી મેચમાં હૅટ-ટ્રિકનો પહેલો તરખાટ જોવા મળ્યો છે. 2021માં ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમના ફાસ્ટ બોલર અને 2023ની સાલના સૌથી સફળ કેપ્ટન પૅટ કમિન્સે બંગલાદેશ સામેની સુપર-એઇટની મૅચમાં હૅટ-ટ્રિકની અનેરી સિદ્ધિ મેળવી હતી.
વરસાદના કારણે આ મૅચ અટકી ત્યારે સર્વત્ર પૅટ કમિન્સની હૅટ-ટ્રિકની જ ચર્ચા હતી. 2024ના ટી-20 વર્લ્ડ કપની આ પ્રથમ અને ટૂર્નામેન્ટના ઇતિહાસની સાતમી હૅટ-ટ્રિક હતી. પૅટ કમિન્સ ટી-20 વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક લેનાર બ્રેટ લી પછીનો બીજો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો છે.
અગાઉ ટી-20 વિશ્વ કપમાં હૅટ-ટ્રિક લેનાર અન્ય બોલર્સમાં કર્ટિસ કેમ્ફર, વનિન્દુ હસરંગા, કૅગિસો રબાડા, કાર્તિક મય્યપન અને જૉશ લિટલનો સમાવેશ છે. કમિન્સનો પ્રથમ સ્પેલ વિકેટ વિનાનો હતો. બીજા સ્પેલમાં તેણે 18મી અને 20મી ઓવરમાં સતત ત્રણ વિકેટ લીધી હતી. કમિન્સે 18મી ઓવરના પાંચમા શૉર્ટ ઑફ લેન્ગથ બૉલમાં મહમુદુલ્લાને કલીન બોલ્ડ કર્યો હતો.
Also Read: T20 World Cup: ભારત સુપર-એઇટની પ્રથમ સુપર-ફાઇટ આસાનીથી જીત્યું
છઠ્ઠો બૉલ બૅક ઑફ ધ લાઈન હતો અને ઑફ સ્ટમ્પની બહાર પડ્યો હતો જેમાં મેહદી હસન અપર કટમાં ડીપ થર્ડ મૅન પર ઍડમ ઝેમ્પાને કૅચ આપી બેઠો હતો. કમિન્સનો 20મી ઓવરનો પ્રથમ બૉલ થોડો સ્લો હતો જે ઑફ સ્ટમ્પની બહાર પડ્યો હતો જેમાં અગાઉથી જ સેટ થઈ ચૂકેલા તૌહિદ રિદોયે સ્કૂપ શોર્ટના પ્રયાસમાં શોર્ટ ફાઈન લેગ પર હેઝલવુડને કૅચ આપી દીધો હતો.
રિદોયે 28 બૉલમાં 40 રન બનાવ્યા હતા અને તે ટીમનો સેકન્ડ-બેસ્ટ રનકર્તા હતો. કેપ્ટન નજમુલ શૅન્ટોના 41 ટીમમાં હાઈએસ્ટ હતા. મહમુ્દુલ્લા હૅટ-ટ્રિકનો શિકાર થયો હોય એવું વિક્રમજનક છઠ્ઠી વાર બન્યું હતું.