સ્પોર્ટસ

પીએસજીને મેસી, નેમાર, ઍમ્બપ્પે ન અપાવી શક્યા એ ચૅમ્પિયન્સ લીગનું ટાઇટલ માર્કિન્યૉસે અપાવ્યું

ફાઇનલમાં 5-0ના વિજય સાથે પૅરિસની ક્લબે રચ્યો ઇતિહાસઃ 19 વર્ષનો ડિઝાયર ગોલ કરનાર યંગેસ્ટ ફૂટબોલર

મ્યૂનિકઃ ફ્રાન્સની પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG) ટીમ ઘણી નામાંકિત ટ્રોફી જીતી છે, પણ યુરોપની પ્રતિષ્ઠિત ચૅમ્પિયન્સ લીગની ટ્રોફીથી ઘણા સમયથી વંચિત રહેતી હતી જે શનિવારે મેળવીને એના અસંખ્ય ચાહકોની વર્ષોની ઇન્તેજારીનો અંત લાવી દીધો હતો. શનિવારની ફાઇનલમાં પીએસજીએ ઇન્ટર મિલાન (INTER MILAN)ને 5-0થી હરાવીને આ ઉપલબ્ધિ મેળવી હતી. ખરેખર તો ભૂતકાળમાં પીએસજીને જે સિદ્ધિ લિયોનેલ મેસી, નેમાર કે કીલિયાન ઍમ્બપ્પે જેવા દિગ્ગજો નહોતા અપાવી શક્યા એ 31 વર્ષના કૅપ્ટન માર્કિન્યૉસે અપાવી છે.

પીએસજીની ટીમમાં અનેક મહાન ખેલાડીઓ જોડાયા અને ટીમ છોડી પણ ગયા આ ટીમ ચૅમ્પિયન્સ લીગની ટ્રોફીથી વંચિત રહી હતી.

જોકે ટીમના કોચ લુઇ એન્રિકે કૅપ્ટન માર્કિન્યૉસ અને ટીમના બીજા ભરોસાપાત્ર ખેલાડીઓની મદદથી પીએસજીને ચૅમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મોટું યોગદાન આપ્યું છે.

https://twitter.com/ChampionsLeague/status/1928918525231394920

કોચ એન્રિકે કહ્યું હતું કે `હું આ ટીમનો કોચ બન્યો ત્યારે સૌથી પહેલાં મેં ખેલાડીઓને કહ્યું હતું કે આપણો સૌથી મોટું લક્ષ્ય ટીમને બને એટલી ટ્રોફીઓ અપાવવાનું રહેશે અને એમાં પણ ખાસ કરીને ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી તો જીતવી જ છે. મેં એ સપનું ખેલાડીઓના સાથ-સહકારથી પૂરું કર્યું છે.’

પીએસજીએ 5-0થી ફાઇનલ જીતીને આ ચૅમ્પિયનશિપના ઇતિહાસની ફાઇનલમાં સૌથી મોટા માર્જિનવાળી જીત મેળવી છે. પીએસજી વતી અશરફ હાકિમીએ 12મી મિનિટમાં ગોલ કરીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું.

ડિઝાયર ડૉઉએ 20મી અને 63મી મિનિટમાં ગોલ કર્યો હતો. તે 19 વર્ષનો છે ફ્રાન્સનો છે. તે યુઇફા ચૅમ્પિયન્સ લીગની ફાઇનલમાં ગોલ કરનાર અને ગોલ કરવા માટે સહાયકની ભૂમિકા ભજવનાર (આસિસ્ટ કરનાર) સૌથી યુવાન વયનો ફૂટબોલર બન્યો છે.

ખ્વિચા ક્વારાત્ખેલિયાએ 73મી મિનિટમાં અને છેલ્લે સેની માયુલુએ 86મી મિનિટમાં ગોલ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button