પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

સાવધાન…‘નમસ્કાર પૅરિસ’ કહીને ભાલાફેંકનો ભારતીય ચૅમ્પિયન ઑલિમ્પિક વિલેજમાં આવી ગયો છે!

પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારતને ભાલાફેંકનો ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા હવે વધુ એક મેડલ મેળવવા ‘નમસ્કાર પૅરિસ’ના સૂત્ર સાથે પૅરિસમાં ઑલિમ્પિક વિલેજમાં આવી પહોંચ્યો છે.

ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ મંગળવારે ઑલિમ્પિક વિલેજમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક સ્વયંસેવકો તેમ જ ભારતીય ઑલિમ્પિક સંઘ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હરિયાણાનો 26 વર્ષનો નીરજ છઠ્ઠી ઑગસ્ટે સ્ટેડ દ ફ્રાન્સ ખાતે મેન્સ ગ્રૂપ-એ જ્વેલિન થ્રો ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે.

આ પણ વાંચો :ઑલિમ્પિક-સ્ટાર નીરજ ચોપડાની ફિટનેસને લઈને કોચનું મોટું નિવેદન…

નીરજ ગઈ ઑલિમ્પિક ગેમ્સનું પુનરાવર્તન કરવા માગે છે. બીજી રીતે કહીએ તો તે ટોક્યો પછી હવે પૅરિસથી પણ ગોલ્ડ મેડલ લઈને જ પાછો જવા મક્કમ છે.

તેણે પૅરિસ પહોંચ્યા પછી સોશિયલ મીડિયામાં ચાહકો સાથે બે ફોટો સાથે એક્સ (ટ્વિટર) પર ‘નમસ્કાર પૅરિસ’થી શરૂ કરીને પોતાની અપાર ખુશી શૅર કરતા લખ્યું હતું,‘ વાહ પૅરિસ! અહીં ઑલિમ્પિક વિલેજમાં પહોંચી ગયો છું અને બેહદ રોમાંચિત છું.’

નીરજ ચોપડાને ઑલિમ્પિક્સમાં વ્યક્તિગત રીતે બૅક-ટુ-બૅક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ઍથ્લીટ બનવાની તક છે. તે 2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં ટ્રૅક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. ત્યારે તેણે ફાઇનલમાં ભાલો સૌથી વધુ 87.58 મીટર દૂર ફેંક્યો હતો.

જોકે પૅરિસ આવતાં પહેલાંના કેટલાક મહિના તેના માટે કઠિન રહ્યા હતા. ઈજાને કારણે તે કેટલીક સ્પર્ધામાં ભાગ નહોતો લઈ શક્યો. જોકે ફિટનેસ હાંસલ કર્યા પછી પણ તેણે તાજેતરની ઑસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટમાં ભાગ નહોતો લીધો. એ પહેલાં, દોહા ખાતેની ડાયમંડ લીગમાં નીરજે ચેક રિપબ્લિકના યાકુબ વાદલેચની તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો. એમાં યાકુબે ભાલો 88.38 મીટર દૂર ફેંકીને નીરજને બીજા નંબર પર મોકલી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

ઑલિમ્પિક્સમાં આવતાં પહેલાં ખુદ નીરજે કહ્યું હતું કે પૅરિસમાં ટાઇટલ ડિફેન્ડ કરવાની બાબતમાં તે થોડું માનસિક દબાણનો અનુભવ કરી રહ્યો છે. જોકે તે અગાઉ કરતાં પણ સારું પર્ફોર્મ કરવા પણ દૃઢ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button