કુસ્તીબાજ રિતિકા ક્વૉર્ટરમાં હારવા છતાં હજીયે બ્રૉન્ઝ જીતી શકે છે!
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં શનિવારે મહિલાઓની રેસલિંગમાં રિતિકા હૂડાએ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને ભારત માટે વધુ એક મેડલની આશા જીવંત રાખી હતી. પછીથી તે ક્વૉર્ટર ફાઇનલમાં 1-1ની ડ્રૉ બાદ જરાક માટે એ મુકાબલો હારી ગઈ હતી, પરંતુ જો રિતિકાને રેપશાઝ રાઉન્ડમાં જવા મળશે તો ભારત માટે મેડલની આશા ફરી જીવંત રહેશે.
રિતિકાએ 76 કિલો ફ્રીસ્ટાઇલ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં હંગેરીની બર્નાડેટ નૅગીને 12-2થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જોકે ક્વૉર્ટરમાં ટૉપ-સીડેડ કિર્ગીસ્તાનની એઇપેરી મેડેટ કિઝી સાથેનો તેનો મુકાબલો 1-1થી ડ્રૉમાં રહ્યો હતો.
રિતિકા અને કિઝી, બન્ને કુસ્તીબાજ ખૂબ ડિફેન્સિવ રમી રહી હોવાથી પૅસિવિટી પૉઇન્ટ સિસ્ટમનો સહારો લેવામાં આવ્યો હતો. બન્નેએ એ સિસ્ટમ મારફત 1-1 પૉઇન્ટ લીધો હતો.
અહીં જણાવી દઈએ કે ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં પૅસિવિટીનો ઉપયોગ મૅચને આક્રમક બનાવવા માટે કરાય છે. જો બેમાંથી એક પહેલવાને પહેલી બે મિનિટમાં એક પણ પૉઇન્ટ ન મેળવ્યો હોય તો એમાં જે રેસલર ઓછી આક્રમક હોય તેણે 30 સેકન્ડની અંદર એક પૉઇન્ટ લેવો પડે છે અને જો એમ કરવામાં તે નિષ્ફળ જાય તો હરીફ રેસલરને એક પૉઇન્ટ આપી દેવામાં આવે છે.
ફર્સ્ટ-હાફમાં રિતિકાએ પૅસિવિટી મારફત એક પૉઇન્ટ મેળવ્યો અને સેકન્ડ-હાફમાં કિર્ગીસ્તાનની રેસલરે એ જ રીતે એક પૉઇન્ટ મેળવ્યો હતો. કુસ્તીના નિયમ અનુસાર જે રેસલર છેલ્લે પૅસિવિટી પૉઇન્ટ મેળવે તે ડ્રૉ મૅચને અંતે વિજેતા ઘોષિત થાય છે. આ કિસ્સામાં છેલ્લો પૅસિવિટી પૉઇન્ટ કિર્ગીસ્તાનની રેસલરે મેળવ્યો હોવાથી તેને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
હવે વાત એમ છે કે રિતિકા સામે જીતેલી કિર્ગીસ્તાનની કિઝી જો ફાઇનલમાં પહોંચશે તો રિતિકાને નિયમ અનુસાર રેપશાઝ રાઉન્ડમાં રમવાનો મોકો મળશે જેમાં તે બ્રૉન્ઝ જીતી શકશે. જો રિતિકાને રેપશાઝ રાઉન્ડનો મોકો નહીં મળે તો ભારતના પડકારનો ત્યાં જ અંત આવી જશે.
એ પહેલાં, પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં 29 સેકન્ડ બાકી હતી ત્યારે રિતિકા હૂડા 10 પૉઇન્ટથી આગળ હતી અને ત્યારે સ્કોર રિતિકાની તરફેણમાં 12-2 હતો અને રિતિકાને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.
એ તબક્કે રેફરીએ મુકાબલાને આગળ વધતો રાખવાને બદલે ત્યાં જ અટકાવી દીધો હતો અને રિતિકાને 12-2થી વિજયી ઘોષિત કરવામાં આવી હતી.