શૉકિંગ…પાકિસ્તાનનો ગોલ્ડ મેડલિસ્ટ મળ્યો ભારત-વિરોધી ખૂંખાર આતંકવાદીને! વીડિયો ખૂબ વાયરલ થયો
નવી દિલ્હી: પાકિસ્તાનનો અર્શદ નદીમ ગયા અઠવાડિયે પૅરિસ ઑલિમ્પિક્સની ભાલાફેંકની હરીફાઈમાં ભારતના નીરજ ચોપડાને પાછળ રાખીને પોતાના દેશ માટે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો જેની વાહ-વાહ પાકિસ્તાન ઉપરાંત અમુક અંશે ભારતમાં પણ થઈ હશે, પરંતુ નદીમનો એક વીડિયો તથા ફોટોએ ચકચાર જગાવી છે. ચોંકાવનારી વાત એ છે કે નદીમનો આ વીડિયો અને ફોટો ભારતની દુશ્મન આતંકવાદી સંસ્થા લશ્કરે તોઇબા (એલઇટી)ના ખૂંખાર આતંકવાદી મુહમ્મદ હારિસ દર સાથેનો હતો.
વધુ સનસનાટીભરી વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્રો (યુએન) દ્વારા લશ્કરે તોઇબા સંગઠનના મુહમ્મદ દરને આતંકવાદી જાહેર કર્યો છે.
નદીમનો મુહમ્મદ દર સાથેનો આ વીડિયો તથા ફોટો બહાર આવતાં જ સોશિયલ મીડિયામાં જોરદાર ચર્ચા થઈ રહી છે કે આ બન્ને વચ્ચે વળી શું કનેકશન હશે!
એક્સ (ટ્વિટર) પર ઓએસઆઇએનટી (ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ) હૅન્ડલ પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં નદીમ અને દર વાતચીત કરી રહેલા જોવા મળે છે.
આ પણ વાંચો : ગોલ્ડ મેડલિસ્ટ સ્વિમર ઑલિમ્પિક વિલેજની રૂમ છોડીને ગાર્ડનના ઘાસમાં કેમ સૂઈ ગયો!
અર્શદ નદીમ પાકિસ્તાનને ઑલિમ્પિક્સમાં વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ અપાવનાર પ્રથમ ઍથ્લીટ છે. તેણે ફાઇનલમાં ભાલો સૌથી વધુ 92.97 મીટર દૂર ફેંક્યો હતો. નીરજ ચોપડા એ ઇવેન્ટમાં ભાલો 89.45 મીટર દૂર ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.
વીડિયો મુજબ મુહમ્મદ દર તાજેતરમાં નદીમે પૅરિસ ઑલિમ્પિક્સમાં જે સિદ્ધિ હાંસલ કરી એ બદલ નદીમની પ્રશંસા કરી રહેલો જોવા મળે છે અને કહે છે કે નદીમની આ ઉપલબ્ધિથી સમગ્ર મુસ્લિમ સમાજને ગૌરવ મળ્યું છે.
યુએને લશ્કરે તોઇબાને વૈશ્ર્વિક સ્તરના આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. મુહમ્મદ હારિસ દર મિલ્લી મુસ્લિમ લીગ (એમએમએલ)નો જોઇન્ટ સેક્રેટરી છે અને એમએમએલ એવો રાજકીય પક્ષ છે જેની સ્થાપના એલઇટીના ટોચના આતંકવાદી હાફિઝ સઇદે કરી હતી.
2008માં મુંબઈમાં થયેલા ટેરર-અટૅકનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ હતો.
ઑલિમ્પિક્સનો સુવર્ણચંદ્રક વિજેતા અર્શદ નદીમ એવા વ્યક્તિને (મુહમ્મદ દરને) મળ્યો છે જે લશ્કરે તોઇબાના વિદ્યાર્થીઓને તાલીમ આપનારો ઑફિસર છે. તેણે એલઇટીના કૅમ્પમાં આતંકવાદીઓને ટ્રેઇનિંગ આપી હોવાનું પણ મનાય છે. મુહમ્મદ દર ભારત-વિરોધી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતો છે. તે ભારત વિરોધી ભડકાવનારા પ્રવચનો માટે તેમ જ પબ્લિક રૅલીઓ માટે જાણીતો છે. એક વાર મુહમ્મદ દરે ભારતના કાશ્મીરમાંની પરિસ્થિતિને અફઘાનિસ્તાન સાથે સરખાવતા કહ્યું હતું કે ‘જેમ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પાછા જતા રહેવું પડ્યું એમ એક દિવસ ભારતને પણ કાશ્મીરમાંથી વિદાય લેવી પડશે.’