ગોલ્ડ મેડલ વિજેતા પર લાગ્યો 18 મહિનાનો પ્રતિબંધ, પેરાલમ્પિકમાં ભાગ નહીં લઇ શકે
ટોક્યો સુવર્ણ ચંદ્રક વિજેતા પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત પેરિસ પેરાલિમ્પિક્સમાં પોતાનું ટાઇટલ જાળવી શકશે નહીં કારણ કે તેને BWF એન્ટી ડોપિંગ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભારત માટે અને વ્યક્તિગત રીતે પ્રમોદ ભગત માટે પણ આંચકાજનક સમાચારથી ઓછું નથી, કારણ કે ભગતે ટૉક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેમના પર પ્રતિબંધ મૂકાવાથી તેઓ પેરિસ પેરાલિમ્પિકસમાં ભાગ નહીં લઇ શકે. આને કારણે લોકોને ભારે નિરાશા થઇ છે. 28 ઑગસ્ટથી 28 સપ્ટેમ્બર દરમિયાન પેરિસ પેરાલિમ્પિકસ 2024 યોજવાની છે.
“બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને પુષ્ટિ કરી છે કે ભારતના ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગતને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને તે પેરિસ પેરાલિમ્પિક્સમાં નહીં રમે,” એમ BWFએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘1 માર્ચ, 2024ના રોજ, કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) ના ડોપિંગ વિરોધી વિભાગે ભગતને BWF એન્ટી-ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. તે એક વર્ષમાં ત્રણ વખત પોતાનું ઠેકાણું જાહેર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
36 વર્ષીય ભારતીય ખેલાડી ભગતે આ નિર્ણય સામે CAS ના અપીલ વિભાગમાં અપીલ કરી હતી, જે ગયા મહિને ફગાવી દેવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ’29 જુલાઈ, 2024ના રોજ, CASના અપીલ વિભાગે ભગતની અપીલને નકારી કાઢી હતી અને 1 માર્ચ, 2024ના CAS એન્ટિ-ડોપિંગ વિભાગના નિર્ણયની પુષ્ટિ કરી હતી. તેમનું સસ્પેન્શન હવે ચાલુ થઇ ગયું છે. આ સસ્પેન્શન 1 સપ્ટેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે.
બિહારમાં જન્મેલા ભગતે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમનું પાંચમું વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતીને ચીનના લિન ડેનની બરાબરી કરી હતી. ભારતીય પેરા બેડમિન્ટનના મુખ્ય કોચ ગૌરવ ખન્નાએ જણાવ્યું હતું કે, ‘આ ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. પેરાલિમ્પિક્સમાં તેમના મેડલની આશા હતી, પરંતુ તે એક યોદ્ધા છે અને મને ખાતરી છે કે તે મજબૂત રીતે વાપસી કરશે.
Also Read –