‘ઑલિમ્પિક્સનો બહિષ્કાર કરો…’ વિનેશની ગેરલાયકાત પર આવી નેતાઓની પ્રતિક્રિયા
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને બુધવારે મોટો ફટકો લાગ્યો છે, વિનેશ ફોગાટ ઓલિમ્પિક સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે કારણ કે તેનું વજન 50 કિલોથી વધુ હોવાનું જણાયું હતું. આ કારણે તે ફાઈનલમાંથી બહાર થઇ ગઇ છે અને મેડલથી પણ વંચિત રહી ગઈ છે. આ અંગેની માહિતી ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા જાહેર કરવામાં આવી છે. હવે આ અંગે અનેક રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
આ મામલે સૌથી પહેલી પ્રતિક્રિયા પીએમ મોદીની જાણવા મળી હતી. તેમણે સોશિયલ મીડિયા પર મેસેજ લખીને વિનેશ ફોગાટની પ્રશંસા કરી હતી અને તેને સાંત્વના પણ આપી હતી. તેમણે પેરિસ ઑલિમ્પિક ખાતે ફોન કરીને IOA પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી હતી અને તેમને આ મુદ્દે ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે જાણકારી માંગી હતી. તેમણે વિનેશના કેસમાં મદદ માટે તમામ વિકલ્પો શોધવા અને આ મામલે વિરોધ નોંધાવવાનું પણ કહ્યું હતું.
તે જ સમયે AAP સાંસદ સંજય સિંહે X પર લખ્યું હતું કે, ‘આ વિનેશનું નહીં પરંતુ દેશનું અપમાન છે. વિનેશ ફોગાટ આખી દુનિયામાં ઈતિહાસ રચવા જઈ રહી હતી, તેનું 100 ગ્રામ વધારે વજન બતાવીને તેને ગેરલાયક ઠેરવવી એ ઘોર અન્યાય છે. આખો દેશ વિનેશની સાથે ઉભો છે, ભારત સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ, જો મામલો નહીં સ્વીકારાય તો ઓલિમ્પિકનો બહિષ્કાર કરવો જોઇએ.
આ મામલે બ્રિજભૂષણના પુત્ર કરણ ભૂષણે કહ્યું હતું કે વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાથી દેશને નુક્સાન થયું છે. તેઓ આ અંગે અપીલ કરશે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં Vinesh Phogatને ગેરલાયક ઠેરવવાને લઈને લોકસભામાં હંગામો, રમત ગમત પ્રધાન આપશે જવાબ
કોંગ્રેસના નેતા શશિ થરૂરે કહ્યું હતું કે, ‘વિનેશની અત્યાર સુધીની જીત ખૂબ જ પ્રભાવશાળી રહી છે. આ સમાચારથી ખૂબ જ નિરાશા થઈ. દુર્ભાગ્યે તેના તમામ પ્રયત્નો બાદ પણ તેને પુરસ્કાર મળ્યો નથી જેની તે હકદાર હતી…’
અખિલેશે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, ‘વિનેશ ફોગટ ફાઇનલમાં ન રમી શકવા માટે ચર્ચામાં આવેલા ટેકનિકલ કારણોની ઊંડી તપાસ થવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સત્ય શું છે.
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું, વિનેશ ફોગાટ સાથે ષડયંત્ર રચવામાં આવ્યું છે. તે આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો શિકાર બની છે. હું ભારત સરકારને ઓલિમ્પિક એસોસિએશન પાસે પોતાનો વિરોધ નોંધાવવાની માંગ કરું છું.
વિનેશ ફોગાટે તેના કાકા મહાવીર ફોગાટ પાસે કુસ્તીના દાવપેચ શીખ્યા છે. વિનેશની ગેરલાયકાત પર કાકા મહાવીર ફોગાટે કહ્યું હતું કે, મારે કંઈ કહેવું નથી. આખો દેશ ગોલ્ડ મેડલની અપેક્ષા રાખે છે… ત્યાં નિયમો છે પરંતુ જો કોઈ કુસ્તીબાજનું વજન 50-100 ગ્રામ વધારે હોય તો તેને સામાન્ય રીતે ચલાવી લેવામાં આવે છે. હું દેશના લોકોને કહીશ કે નિરાશ ન થાઓ, એક દિવસ તે ચોક્કસપણે મેડલ લાવશે… હું તેને આગામી ઓલિમ્પિક માટે તૈયાર કરીશ….’