ભારત 10 બ્રૉન્ઝ જરાક માટે ચૂક્યું, 2028 ઑલિમ્પિક્સમાં મેડલની સંખ્યા ઘણી વધી શકે
પૅરિસમાં ભારતીયોને મળ્યા એક સિલ્વર, પાંચ બ્રૉન્ઝ સહિત કુલ છ ચંદ્રક
પૅરિસ/નવી દિલ્હી: 140 કરોડની વસતી ધરાવતા ભારતે પૅરિસ ઑલિમ્પિક્સમાં શરૂઆત સારી કરી હતી, પરંતુ છેવટે કુલ ફક્ત છ મેડલ સાથે ભારતના પડકારનો અંત આવ્યો. જોકે ભારતના ઘણા ઍથ્લીટ અને ખેલાડીઓ એવા છે જેઓ આ મેગા સ્પર્ધામાં ચોથા નંબરે આવતાં જરાક માટે 10 જેટલા બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયા હતા.
જો તેઓ તેમના મિશનમાં સફળ થયા હોત તો ભારતે ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં પહેલી વાર ડબલ ડિજિટમાં મેડલ જીતી લીધા હોત. જે કંઈ હોય, આના પરથી કહી શકાય કે 2028ની લૉસ ઍન્જલસની ઑલિમ્પિક્સમાં ભારતના ચંદ્રકોની સંખ્યા વધવાની જ છે.
પૅરિસમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો અને બ્રૉન્ઝ મેડલ પણ મળ્યા, પરંતુ ગોલ્ડ મેડલ એકેય નથી મળી શક્યો. 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અને એ સાથે ભારત કુલ સાત ચંદ્રક જીત્યું હતું. આ વખતે એક ચંદ્રક ઓછો મળ્યો છે.
આ પણ વાંચો: શું વાત છે, બિલ ગેટ્સનો જમાઈ પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાનો છે!
જોકે કેટલાક વિક્રમ પણ રચાયા છે. મનુ ભાકર ઑલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર છે. તે બબ્બે મેડલ જીતી છે. કુસ્તીબાજ અમન સેહરાવત 21 વર્ષ, 24 દિવસની ઉંમરે ભારતનો યંગેસ્ટ ઑલિમ્પિક મેડલ-વિજેતા બન્યો છે. નીરજ ચોપડા ઉપરાઉપરી બે વ્યક્તિગત ઑલિમ્પિક મેડલ (2021માં ગોલ્ડ, 2024માં સિલ્વર) જીત્યો છે. ભારતની મેન્સ હૉકી ટીમ સતત બીજો (બૅક-ટુ-બૅક) ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ જીતી હોય એવું બાવન વર્ષે ફરી બન્યું છે.
ઑલિમ્પિક્સમાં ચોથા નંબરે રહી જવું એ બાબતમાં ભારતનો બહુ જૂનો રેકૉર્ડ છે. 1960ની રોમ ઑલિમ્પિક્સમાં 400 મીટર દોડમાં ‘ફ્લાઇંગ શીખ’ મિલ્ખા સિંહ બ્રૉન્ઝ મેડલ જીતનાર સ્પર્ધકની સરખામણીમાં ફક્ત 0.1 સેકન્ડ ધીમા પડ્યા હોવાથી બ્રૉન્ઝ ચૂકી ગયા હતા.
1984ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ‘પય્યાલી એક્સપ્રેસ’ તરીકે ઓળખાતા પી.ટી. ઉષા 400 મીટર દોડમાં સેક્ધડના 100મા ભાગ જેટલા ફરક બદલ બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયાં હતાં.
ભારતને પૅરિસમાં કોણે શેમાં કયો ચંદ્રક અપાવ્યો?
ઍથ્લીટ મેડલ રમત/હરીફાઈ
મનુ ભાકર બ્રૉન્ઝ શૂટિંગ, વિમેન્સ 10 મીટર ઍર પિસ્તોલ
મનુ ભાકર, સરબજોત સિંહ બ્રૉન્ઝ શૂટિંગ, મિક્સ્ડ ટીમ 10 મીટર ઍર પિસ્તોલ
સ્વપ્નિલ કુસાળે બ્રૉન્ઝ શૂટિંગ, મેન્સ 50 મીટર થ્રી-પૉઝિશન્સ
મેન્સ હૉકી ટીમ બ્રૉન્ઝ હૉકી, ત્રીજા સ્થાને
નીરજ ચોપડા સિલ્વર ઍથ્લેટિક્સ, ભાલાફેંક
આ પણ વાંચો: નાનપણમાં પાણીથી ડરતી સ્વિમર ધિનિધી પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતની યંગેસ્ટ સ્પર્ધક
અમન સેહરાવત બ્રૉન્ઝ કુસ્તી, 57 કિલો ફ્રીસ્ટાઇલ
2024માં કોણ ચોથા સ્થાને રહી ગયું?
ક્રમ ઍથ્લીટ/પ્લેયર કયો મેડલ ચૂક્યા રમત/હરીફાઈ
1 મનુ ભાકર બ્રૉન્ઝ શૂટિંગ, પચીસ મીટર ઍર પિસ્તોલ
2 અર્જુન બબુટા બ્રૉન્ઝ શૂટિંગ, 10 મીટર ઍર રાઇફલ
3 અંકિતા/ધીરજ બ્રૉન્ઝ તીરંદાજી, મિક્સ્ડ ટીમ ઇવેન્ટ
4 મહેશ્ર્વરી/અનંત બ્રૉન્ઝ શૂટિંગ, સ્કીટ મિક્સડ ટીમ ઇવેન્ટ
5 લક્ષ્ય સેન બ્રૉન્ઝ બૅડમિન્ટન, સિંગલ્સ ઇવેન્ટ
6 નિશા દહિયા બ્રૉન્ઝ કુસ્તી, ઈજાને લીધે હારી
7 સાત્વિક-ચિરાગ બ્રૉન્ઝ બૅડમિન્ટન, ક્વૉર્ટરમાં પરાજિત
8 વિનેશ ફોગાટ ગોલ્ડ/સિલ્વર કુસ્તી, ડિસ્ક્વૉલિફાઇડ, ચુકાદો બાકી
9 મીરાબાઈ ચાનુ બ્રૉન્ઝ વેઇટલિફ્ટિંગ, એક કિલો વજનનો ફરક નડ્યો
10 નિશાંત દેવ બ્રૉન્ઝ બૉક્સિંગ, જજની પૅનલના અપ્રોચનો શિકાર
ભૂતકાળમાં કોણ-કોણ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ ચૂકી ગયેલું?
(1) રણધીર શિંદે, 1920 ઍન્ટવર્પ ઑલિમ્પિક્સ, કુસ્તી
(2) કેશવ માનગાવે, 1952 હેલ્સિન્કી ઑલિમ્પિક્સ, કુસ્તી
(3) ટીમ ઇન્ડિયા, 1956 મેલબર્ન ઑલિમ્પિક્સ, ફૂટબૉલ
(4) મિલ્ખા સિંહ, 1960 રોમ ઑલિમ્પિક્સ, 400 મીટર દોડ
(5) પ્રેમ નાથ, 1972 મ્યૂનિક ઑલિમ્પિક્સ, કુસ્તી
(6) સુદેશ કુમાર, 1972 મ્યૂનિક ઑલિમ્પિક્સ, કુસ્તી
(7) પી.ટી. ઉષા, 1984 લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ, 400 મીટર વિઘ્ન દોડ
(8) રાજિન્દર સિંહ, 1984 લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ, કુસ્તી
(9) પેસ/ભૂપતિ, 2004 ઍથેન્સ ઑલિમ્પિક્સ, ડબલ્સ ટેનિસ
(10) કુંજરાની દેવી, 2004 ઍથેન્સ ઑલિમ્પિક્સ, વેઇટલિફ્ટિંગ
(11) જોયદીપ કરમાકર, 2012 લંડન ઑલિમ્પિક્સ, શૂટિંગ
(12) અભિનવ બિન્દ્રા, 2016 રિયો ઑલિમ્પિક્સ, શૂટિંગ
(13) સાનિયા/બોપન્ના, 2016 રિયો ઑલિમ્પ્કિસ, મિક્સડ-ડબલ્સ ટેનિસ
(14) દીપા કરમાકર, 2016 રિયો ઑલિમ્પિક્સ, જિમ્નૅસ્ટિક્સ
(15) દીપક પુનિયા, 2021 ટોક્યો ઑલિમ્પિક્સ, કુસ્તી
(16) અદિતી અશોક, 2021 ટોક્યો ઑલિમ્પિક્સ, ગૉલ્ફ
(17) ટીમ ઇન્ડિયા, 2021 ટોક્યો ઑલિમ્પિક્સ, મહિલા હૉકી