મનુ ભાકરે ભગવદ્ ગીતાના પાઠ અને અર્જુનને યાદ કર્યા પછી મેડલને અચૂક નિશાન બનાવ્યું
પૅરિસ: ઑલિમ્પિક્સના શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બનેલી હરિયાણાની બાવીસ વર્ષની મનુ ભાકરે ભારત માટે ઑલિમ્પિક ગેમ્સમાં નવો ઇતિહાસ રચ્યો એ પાછળ તેની ટૅલન્ટ, ક્ષમતા તો મુખ્યત્વે કારણરૂપ છે જ, તેને તાલીમમાં સાથ આપનારાઓને પણ શ્રેય જવું જોઈએ. આ બધા વચ્ચે ખુદ મનુ ભાકરની ઈશ્ર્વરમાં જે શ્રદ્ધા અને આસ્થા છે એની પણ તેની સફળતામાં મોટી ભૂમિકા રહી છે.
ખુદ મનુ ભાકરે રવિવારે પૅરિસમાં મેડલ જીતી લીધા પછી કહ્યું હતું કે ‘હું મારી મૅચ દરમ્યાન ભગવદ્ ગીતાના પાઠ સતત યાદ કરતી હતી.’
ભગવદ્ ગીતાના અધ્યાય યાદ કરી જવા પાછળનું કારણ બતાવતાં તેણે કહ્યું, ‘હું આ સર્વોચ્ચ સ્પર્ધાના મેડલ માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. ભારત દેશ ઘણા ચંદ્રકોનું હકદાર છે, હું તો આ ઉપલબ્ધિનું માત્ર એક માધ્યમ છું.’
આ પણ વાંચો: મનુ ભાકરે Paris Olympicsના શૂટિંગમાં રચ્યો ઇતિહાસ
મનુ ભાકરને ઈશ્ર્વરમાં અખૂટ શ્રદ્ધા છે. તેણે મેડલનું ગૌરવ હાંસલ કર્યા પછી કહ્યું, ‘ઇવેન્ટ દરમ્યાન હું ફક્ત ભગવદ્ ગીતાને અને અર્જુન વિશે જ વિચારતી રહેતી હતી, કારણકે મેં મૅચ પહેલાં જ ભગવદ્ ગીતા વાંચી હતી એટલે મને માનસિક તણાવમાં મગજને શાંત રાખવામાં મદદ મળી હતી.’
મનુ ભાકરે એવું પણ કહ્યું હતું કે ‘હું આ ઇવેન્ટમાં આખરી શૉટ સુધી પૂરી ઊર્જા અને જોશ સાથે સંઘર્ષ કરી રહી હતી. આ વખતે કાંસ્યચંદ્રક જીતી છું. બની શકે હવે પછી વધુ સારું પર્ફોર્મ કરીશ. હું એ જ કરી રહી હતી જે મારે કરવાનું હતું. ટોક્યો ઑલિમ્પિક્સમાં જોવી પડેલી નિરાશા ખૂબ લાંબો સમય ચાલી હતી. જોકે આ વખતે મેં નક્કી કર્યું હતું કે ગમે એમ કરીને મેડલ જીતવો જ છે.’
મનુ ભાકર ભગવાનમાં અને વિધિના લેખમાં ખૂબ માને છે. તેણે રવિવારે કહ્યું, ‘આપણે ખૂબ પરિશ્રમ કરવો જોઈએ, પછી બધુ ભગવાન પર અને કિસ્મત પર છોડી દેવાનું. હું આ સિદ્ધિ બદલ મને તાલીમ તથા સાચી સલાહ આપનારાઓની તેમ જ તમામ દોસ્તો, સગાસંબંધીઓ અને શુભચિંતકોની આભારી છું.
બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. હું આજે અહીં ઊભી છું તો એનો શ્રેય આ બધાને જાય છે. હું જ્યારે પણ વધુ પ્રયાસો કરું છું ત્યારે તમે બધા મારું જીવન ખૂબ આસાન કરી નાખો છો. હું મારા તમામ પ્રાયોજકો તથા બધા કોચની પણ આભારી છું.’