નીરજ હવે હર્નિયાની સર્જરી કરાવવા વિચારે છે
કોચિંગ-સ્ટાફમાં પણ મોટા ફેરફાર કરી નાખશે
પૅરિસ: અહીંની ઑલિમ્પિક ગેમ્સમાં ભાલાફેંકના ઍથ્લીટ નીરજ ચોપડાએ છમાંથી પાંચ નિષ્ફળ પ્રયાસ (પાંચ ફાઉલ-થ્રો)ને બાદ કરતા એક જ અટેમ્પ્ટમાં ભાલો 89.45 મીટર દૂર ફેંકીને ભારતને ચંદ્રક અપાવી દીધો હતો.
ભારતને ચાર બ્રૉન્ઝ પછીનો આ પ્રથમ સિલ્વર મેડલ અપાવનાર ભારતીય લશ્કરના જવાન નીરજે આ ઑલિમ્પિક્સ પહેલાં અનફિટ હોવાને કારણે એક સ્પર્ધામાં ભાગ નહોતો લીધો અને હવે મહા મહેનતે ઑલિમ્પિક્સનો બીજો મેડલ જીતી લીધો છે. જોકે આ બધા વચ્ચે એક વાત બહાર આવી છે કે તે હવે સર્જરી કરાવવાનો છે.
નીરજ હર્નિયાની સમસ્યાથી પીડાય છે. તેને સાથળની નજીકના ભાગમાં વારંવાર દુખાવો થતો હોય છે. તે સર્જરી કરાવશે એનો નિર્ણય પૅરિસથી ભારત પાછા આવ્યા બાદ લેશે.
આ પણ વાંચો: Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ
નીરજે ગુરુવારની ઇવેન્ટ બાદ પત્રકારોને કહ્યું, ‘હું મારી ટીમ સાથે ચર્ચા કરીશ અને પછી નિર્ણય લઈશ. મારા શરીરની સ્થિતિ સારી ન હોવા છતાં હું આગળ વધતો રહ્યો. મારે હજી ઘણો લાંબો સમય મારા શરીરને ફિટ રાખવાનું છે.’
નીરજ પોતાના કોચિંગ-સ્ટાફમાં પણ મોટા ફેરફાર કરવાનો છે. હવે તેના કોચ ક્લાઉસ બાર્ટોનિટ્ઝ તેની સાથે નહીં રહે. તેઓ 2018ની સાલથી નીરજ સાથે છે. તેઓ વર્ષમાં થોડા મહિના જ નીરજ સાથે કામ કરતા હતા. નીરજ અને તેની ટીમ બૅક રૂમ સ્ટાફને અપગ્રેડ કરવા માગે છે.
નીરજ 2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે તેના વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન છે.