મનુ ભાકર ફરી ફાઇનલમાં, હૅટ-ટ્રિક મેડલની લગોલગ પહોંચી ગઈ
પૅરિસ: ભારતની વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ અને પૅરિસ ઑલિમ્પિક્સમાં શૂટિંગના બે બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકેલી હરિયાણાની મનુ ભાકર પચીસ મીટર પિસ્તોલ હરીફાઈમાં શુક્રવારે ફાઇનલમાં પહોંચી ગઈ હતી. એ સાથે, મનુ ભાકર ત્રીજા મેડલની બહુ નજીક છે. ફાઇનલ રાઉન્ડ શનિવારે યોજાવાનો છે.
જો મનુ ભાકર હૅટ-ટ્રિક મેડલ મેળવશે તો ભારતના ઑલિમ્પિક્સ ઇતિહાસમાં અને ખાસ કરીને શૂટિંગમાં તેનું નામ સોનેરી અક્ષરે લખાશે.
બાવીસ વર્ષની મનુ ભાકર ક્વૉલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાને આવી હતી. પ્રીસિઝન રાઉન્ડમાં તેણે 294 પૉઇન્ટ અને પછી રૅપિડ રાઉન્ડમાં 296 પૉઇન્ટ સાથે કુલ 590 પૉઇન્ટ મેળવીને સનસનાટી મચાવી હતી. તે એ રાઉન્ડની મોખરાની શૂટર હંગેરીની વેરોનિકા મૅજરથી ફક્ત બે પૉઇન્ટ દૂર રહી હતી. વેરોનિકાએ 294 અને 298 સહિત કુલ 592 પૉઇન્ટ મેળવ્યા હતા અને ઑલિમ્પિક રેકૉર્ડની બરાબરી કરી લીધી હતી.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતનો પ્રથમ પરાજય
ભારતે પૅરિસ ઑલિમ્પિક્સમાં પહેલા ત્રણેય મેડલ (ત્રણેય બ્રૉન્ઝ) શૂટિંગમાં મેળવ્યા છે જે ભારત સામે અનોખો વિક્રમ છે.
મનુ ભાકર સાથે શુક્રવારે ભારતની એશા સિંહે પણ પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ 581 પૉઇન્ટ સાથે છેક 18મા સ્થાને રહી હતી.
આખી સ્પર્ધામાં કુલ 40 સ્પર્ધકે ભાગ લીધો હતો અને એ તમામમાં મનુ ભાકર બીજા નંબરે રહી હતી.