મનુ ભાકરે એક પણ દિવસ લંચ નથી કર્યું, મમ્મીએ આલુ પરાઠા ખવડાવવાનું વચન આપ્યું

પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સમાં ભારતની સર્વશ્રેષ્ઠ ઍથ્લીટ અને બે બ્રૉન્ઝ મેડલ જીતનાર નિશાનબાજ મનુ ભાકરે પૅરિસમાં પોતાની ઇવેન્ટ શરૂ થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીમાં એક પણ દિવસ લંચ નથી કર્યું. તેની મમ્મી સુમેધા ભાકરને આ વાતની જાણ કરાતાં તેમણે કહ્યું છે કે તેમની પુત્રી પાછી આવશે ત્યારે તેને પેટ ભરીને આલુ પરાઠા ખવડાવશે.
આ પણ વાંચો: મનુ ભાકર 1 નંબર પર રહ્યા પછી 1 પૉઇન્ટ માટે બ્રૉન્ઝની હૅટ-ટ્રિક ચૂકી ગઈ એટલે રડી પડી
10 મીટર ઍર પિસ્તોલ ઇવેન્ટમાં બે બ્રૉન્ઝ જીત્યા પછી શનિવારે મનુ ભાકરને હૅટ-ટ્રિક બ્રૉન્ઝ મેડલની તક હતી, પણ તે માત્ર એક પૉઇન્ટ માટે એ ચંદ્રક ચૂકી ગઈ હતી. એની નિરાશામાં તે રડી પડી હતી. જોકે તેણે 2028માં અમેરિકાના લૉસ ઍન્જલસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં વધુ મેડલ જીતવાનું વચન ચાહકોને આપ્યું છે.
મનુ ભાકર એક જ ઑલિમ્પિક્સમાં શૂટિંગના બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ઍથ્લીટ છે.
ગયા અઠવાડિયે પૅરિસમાં ઑલિમ્પિક્સ શરૂઆત બાદ મનુ ભાકરની શૂટિંગની ઇવેન્ટ શરૂ થઈ ત્યાર પછી તેણે લંચ લીધું જ નથી. કારણ એ છે કે તેની ઇવેન્ટના સમય એવા હતા જેમાં તેણે બ્રેકફાસ્ટ કર્યા પછી ઑલિમ્પિક વિલેજમાંથી નીકળી જવું પડતું હતું અને છેક સાંજે વિલેજમાં પાછી આવતી હતી. પરિણામે, બ્રેકફાસ્ટના સમય અને સાંજે પાછા આવતાં પહેલાંના સમયમાં તે લંચ કરી શકે એવો ટાઇમનો કોઈ સ્લૉટ જ નહોતો. તે સાંજે વિલેજમાં પાછા આવીને થોડું ખાઈ લેતી હતી.
તેણે એક મુલાકાતમાં કહ્યું, ‘મારી મૅચ પૂરી થઈ જતી ત્યાર બાદ હું મારા બીજા રાઉન્ડની મૅચની રાહ જોતી હતી. હવે મારી ઇવેન્ટ પૂરી થઈ ગઈ છે એટલે હું શાંતિથી લંચ કરીશ.’
મનુનાં મમ્મીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘મનુ પાછી ક્યારે આવશે એની જાણ નથી, પણ તેને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે જ્યારે પણ પાછી આવશે ત્યારે તેને આલુ પરાઠા ખૂબ ખવડાવીશ.’
મનુનાં મમ્મી સુમેધા ભાકરને તેમની દીકરીની મૅચ લાઇવ જોવાનું ક્યારેય પસંદ નથી કરતા.