પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

લક્ષ્ય સેન બ્રૉન્ઝ પણ ચૂક્યો, 12 વર્ષમાં પહેલી વાર ભારત બૅડમિન્ટનના મેડલથી વંચિત

હાર્યા પછી કહ્યું, ‘હું ખૂબ થાકી ગયો હતો, આખું અઠવાડિયું ટફ હતું’

પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સોમવારે સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં પરાજિત થતાં ભારત ઑલિમ્પિક્સમાં 12 વર્ષમાં પહેલી વાર બૅડમિન્ટનના ચંદ્રકથી વંચિત રહ્યું છે.

બાવીસ વર્ષના લક્ષ્ય સેને મલેશિયાના વિશ્ર્વના સાતમા નંબરના ખેલાડી લી ઝિ જિઆને બહુ સારી લડત આપી હતી અને પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી હતી, પરંતુ પછીની બે ગેમ જિઆએ 21-16, 21-11થી જીતીને મુકાબલો 2-1થી જીતી લીધો હતો.

આ પણ વાંચો: બૅડમિન્ટનમાં લક્ષ્ય સેન હારી ગયો, પણ બ્રૉન્ઝ જીતી શકે

લક્ષ્ય સેનની આ પહેલી જ ઑલિમ્પિક ગેમ્સ હતી અને એમાં તે મેડલ ન જીતી શક્યો, પણ ઑલિમ્પિક્સની સેમિ ફાઇનલમાં પહોંચીને ભારત માટે પુરુષોની બૅડમિન્ટનમાં નવો ઇતિહાસ તો રચ્યો જ હતો. લક્ષ્ય સેન 2021ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ અને 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લક્ષ્ય સેને સોમવારે પરાજય બાદ કહ્યું, ‘બીજી ગેમ જીતવાનો મને મોકો હતો, પણ જિઆ ઘણું સારું રમ્યો હતો. હું બહુ સારી તૈયારી કરીને આ મૅચમાં રમવા આવ્યો હતો. જોકે એકંદરે એક અઠવાડિયું ટફ રહ્યું. હું થાકી ગયો હતો અને થાક વધતો જ જતો હતો. હા, હું આ મૅચમાં પણ 100 ટકા ક્ષમતાથી રમવાની તૈયારી સાથે જ રમ્યો હતો.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button