બર્થ-ડે ગર્લ શ્રીજા ટેબલ ટેનિસની પ્રી-ક્વૉર્ટરમાં, વર્લ્ડ નંબર-વન સામે રમશે
પૅરિસ: મનિકા બત્રા પછી ભારતની શ્રીજા અકુલા પણ પૅરિસ ઑલિમ્પિક્સમાં મહિલાઓની ટેબલ ટેનિસ સ્પર્ધાની સિંગલ્સની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
બુધવારે શ્રીજાનો પચીસમો જન્મદિન હતો અને એ દિવસે તેણે શ્રેષ્ઠ 32 ખેલાડીઓના રાઉન્ડમાં સિંગાપોરની જિઆન ઝેન્ગને હરાવી દીધી હતી.
શ્રીજાનો ઝેન્ગ સામે રસાકસીભર્યા મુકાબલામાં 9-11, 12-10, 11-4, 11-5, 10-12, 12-10થી વિજય થયો હતો.
હૈદરાબાદની અર્જુન પુરસ્કાર વિજેતા શ્રીજાનો પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં મુકાબલો ચીનની વર્લ્ડ નંબર-વન સુન યિન્ગશા સામે થશે.
આ પણ વાંચો: Paris Olympics-IND VS ARGENTINA: છેલ્લી મિનિટમાં હરમનપ્રીત સિંહે કર્યો ચમત્કાર અને મેચ ડ્રોમાં પરિણમી
મનિકા બત્રા મંગળવારે જ પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગઈ હતી. હવે બે વખત નૅશનલ ચૅમ્પિયન બનેલી શ્રીજા પણ તેની હરોળમાં આવી ગઈ છે. યોગાનુયોગ, ગયા મહિને શ્રીજાએ જ મનિકાને દેશની ટોચની સિંગલ્સ પ્લેયરના સ્થાન પરથી હટાવીને તેની જગ્યા લીધી હતી.
જૂનમાં ભારતની નંબર-વન ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજાએ લાગોસમાં ડબ્લ્યૂટીટી ક્ધટેન્ડર સિંગલ્સ ટાઇટલ જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો.
2022માં ઇંગ્લૅન્ડમાં બર્મિગહૅમ ખાતેની કૉમનવેલ્થ ગેમ્સમાં શ્રીજા મિક્સ્ડ-ડબલ્સમાં શરથ કમલ સાથેની જોડીમાં ગોલ્ડ મેડલ જીતી હતી.