ગોલ્ડ મેડલિસ્ટ સ્વિમર ઑલિમ્પિક વિલેજની રૂમ છોડીને ગાર્ડનના ઘાસમાં કેમ સૂઈ ગયો!

પૅરિસ: દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિક ગેમ્સમાં 200થી વધુ દેશના 10,000થી પણ વધુ ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લેતા હોય છે અને તેમના રહેવાની તેમ જ પ્રૅક્ટિસ માટેની વ્યવસ્થા ઑલિમ્પિક વિલેજમાં કરવામાં આવતી હોય છે. રમતોત્સવ બે અઠવાડિયાથી પણ વધુ સમય સુધી ચાલતો હોવાથી એમાં વ્યવસ્થાની બાબતમાં ક્યાંક કોઈક કચાશ રહી જતી હોય છે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગેરવ્યવસ્થાની કેટલીક ઘટનાઓ બની ગઈ અને એમાંના એક બનાવની ખૂબ ચર્ચા છે. એક ગોલ્ડ મેડલ વિજેતા ઍથ્લીટ પોતાની રૂમમાં વ્યવસ્થા ખરાબ હોવાને કારણે બહારના ગાર્ડનમાં જઈને નીચે ઘાસમાં સૂઈ ગયો હતો.
ઇટલીનો થૉમસ સેકૉન નામનો સ્વિમર ગયા અઠવાડિયે 100 મીટર બૅકસ્ટ્રૉકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 24 વર્ષનો આ સ્વિમર 4-100 ફ્રીસ્ટાઇલ રિલેમાં બ્રૉન્ઝ પણ જીત્યો હતો.
થૉમસ રૂમમાંની ગેરવ્યવસ્થાથી કંટાળીને બિલ્ડિંગ નજીકના ગાર્ડનમાં ઘાસમાં જઈને સૂઈ ગયો હતો. પછીથી તેને પૂછવામાં આવતાં તેણે કહ્યું કે ‘ઑલિમ્પિક વિલેજમાં ક્યાંય ઍર-કન્ડિશનર નથી. દિવસ હોય કે રાત, ખૂબ ગરમી થાય છે. ખાવાનું પણ સારું નથી. હું ઘરે હોઉં ત્યારે મોટા ભાગે બપોરે સૂતો હોઉં છું. જોકે અહીં ગરમી અને અવાજથી કંટાળી ગયો છું.’
સાઉદી અરેબિયાના રૉવિંગના ઍથ્લીટે સેકૉનને ઘાસમાં સૂતેલો જોયો હતો અને તેનો ફોટો પાડીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો હતો.
ઑલિમ્પિક વિલેજમાં રૂમમાંના પલંગ તથા અન્ય ફર્નિચર બાબતમાં પણ ફરિયાદો થઈ ચૂકી છે.
ભારતે ઑલિમ્પિક્સની શરૂઆતમાં જ ભારતીય ઍથ્લીટો માટે 40 ઍર-કન્ડિશનર મોકલ્યા હતા. બીજા કેટલાક દેશોએ પણ પોતાના ઍથ્લીટો માટે ઍર-કન્ડિશનર મોકલ્યા હતા.