સમુદ્રમાં પૅરિસ ઑલિમ્પિક્સના સ્પર્ધકોની સામે વ્હેલ માછલી આવી ગઈ અને પછી…

ટેહુપો/પૅરિસ: ફ્રાન્સનું પાટનગર પૅરિસ ઑલિમ્પિક ગેમ્સનું મુખ્ય યજમાન છે, પરંતુ આ જ રમતોત્સવની સર્ફિંગની હરીફાઈ પૅરિસથી 10,000 માઇલ દૂર તાહિતી ટાપુના દરિયામાં રાખવામાં આવી છે. સોમવારે બપોરે તાહિતીના સમુદ્રમાં સર્ફિંગની હરીફાઈ ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક સ્પર્ધકોથી દૂર વ્હેલ માછલી સપાટી પર આવી જતાં હલચલ મચી ગઈ હતી.
તાહિતીના દરિયામાં સર્ફિંગની હરીફાઈનો એ છેલ્લો દિવસ હતો અને બ્રાઝિલના ટાટિયાના વેસ્ટન-વેબ તથા કોસ્ટા રિકાના બ્રિઝા હેનેસી વચ્ચેની સેમિ ફાઇનલ સ્પર્ધા ચાલી રહી હતી ત્યારે એક વ્હેલ માછલીએ અચાનક સપાટી પર પોતાની હાજરી દેખાડી ત્યારે પ્રેક્ષકો ચીસ પાડવા લાગ્યા હતા. જોકે ઑલિમ્પિક્સ દરમ્યાન આવું બને એ ઘટના દુર્લભ કહેવાય એવું માનીને કેટલાક પ્રેક્ષકોએ ફોટા પાડ્યા હતા.
આ પણ વાંચો: Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ
વ્હેલ માછલી બન્ને સ્પર્ધકોથી ઘણે દૂર હતી, પણ પ્રેક્ષકો માટે એ દૃશ્ય અવિસ્મરણીય બની ગયું હતું.
દરિયામાં સર્ફિંગની હરીફાઈ ચાલતી હોય ત્યારે પક્ષીઓ સ્પર્ધકોની આસપાસ હવામાં ઉડતા હોય તેમ જ સી લાયન તથા વ્હેલ કે શાર્ક માછલી સપાટી પર આવી જાય એ ઘટના સામાન્ય કહેવાય છે.
તાહિતી ટાપુમાં દરિયા કિનારે વ્હેલ માછલીઓ મોટી સંખ્યામાં ભેગી જાય એ ઘટના પણ સામાન્ય છે.
તાહિતી ટાપુના કાનૂનમાં વ્હેલ માછલીને ‘લીગલ પર્સન’ તરીકે ગણવામાં આવે છે. જોકે અન્ય ઘણા દેશોએ તાહિતીના આ કાનૂનને હજી માન્યતા નથી આપી.