પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

મનુ ભાકર હજી ત્રીજો મેડલ પણ જીતી શકે એમ છે?

પૅરિસ: હરિયાણાની નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સમાં હરણફાળ ભરી રહી છે. તે બે મેડલ જીતીને ભારત માટે ઑલિમ્પિક્સની મહિલા શૂટિંગમાં નવો ઇતિહાસ રચી ચૂકી છે, હવે તે વધુ એક વિરલ સિદ્ધિ હાંસલ કરીને દેશનું નામ પૅરિસના મહા રમતોત્સવના મંચ પર રોશન કરી શકે એમ છે.

10 મીટર ઍર પિસ્તોલ ઇન્ડિવિન્યૂઅલમાં બ્રૉન્ઝ મેડલ અને 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ બ્રૉન્ઝ મેડલ જીતનાર મનુ ભાકર હવે ગુરુવારે પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ભાગ લેવાની છે.

પહેલેથી જ તે પૅરિસ ઑલિમ્પિક ગેમ્સની ત્રણ ઇવેન્ટમાં ભાગ લેવાની હતી અને કુલ 21 ભારતીય શૂટર્સમાં તે આટલી બધી હરીફાઈમાં ભાગ લેનારી એકમાત્ર નિશાનબાજ છે.

મનુ ભાકરની ગુરુવાર, પહેલી ઑગસ્ટે બપોરે 12.30 વાગ્યાથી પ્રી-ઇવેન્ટ ટ્રેઇનિંગ છે. શુક્રવારે બપોરે 12.30 વાગ્યે તેણે પ્રીસિઝન ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેવાનો છે અને એ જ દિવસે બપોરે 3.30 વાગ્યે તેણે રૅપિડ ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ઊતરવું પડશે. જો મનુ ભાકર ફાઇનલમાં પહોંચશે તો શનિવાર, ત્રીજી ઑગસ્ટે બપોરે 1.00 વાગ્યે શરૂ થનારી ફાઇનલમાં સૌની નજર તેના પર હશે. કારણ એ છે કે હજી એક વર્ષ પહેલાં તે એશિયન ગેમ્સમાં પચીસ મીટર ટીમ પિસ્તોલનું ટાઇટલ જીતી હતી.

આ પણ વાંચો : મનુ ભાકર સાથે ઑલિમ્પિક્સનો શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ કોણ છે?

મનુ ભાકરે 2023ની એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં પાંચમું સ્થાન મેળવીને પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટેનો ક્વોટા મેળવ્યો હતો.

શૂટિંગની વર્લ્ડ ચૅમ્પિયન મનુ ભાકર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી યંગેસ્ટ ભારતીય નિશાનબાજ છે. 2018માં તે કૉમનવેલ્થ ગેમ્સમાં વિક્રમ સાથે સુવર્ણ ચંદ્રક જીતી હતી. તે એ જ વર્ષમાં યુથ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ જીતી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button