પારસ મ્હામ્બ્રેએ કહ્યું, ‘વિરાટ, રોહિત, જાડેજાના રિટાયરમેન્ટ વિશે ડ્રેસિંગ-રૂમમાં કોઈને…’
નવી દિલ્હી: ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટી-20 ટીમના બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું છે કે ‘ભારતના ચૅમ્પિયનપદ સાથે વિશ્ર્વ કપ પૂરો થયા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજાએ ક્રિકેટજગતને તો શું, અમને બધાને પણ ચોંકાવી દીધા હતા. તેમની એ જાહેરાતથી અમને પણ ઘણું આશ્ર્ચર્ય થયું હતું.’
35 વર્ષના વિરાટ, 37 વર્ષના રોહિત અને 35 વર્ષના જાડેજાએ 29મી જૂને ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવ્યા બાદ થોડી જ વારમાં ટી-20 ઇન્ટરનૅશનલ્સને અલવિદા કરી દીધી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટી-20 ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી હોવાની વિરાટે જાહેરાત કરી ત્યાર બાદ થોડી જ વાર પછી રોહિતે પણ એવી જ જાહેરાત કરી દીધી હતી અને પછીથી જાડેજાએ પણ જાહેર કર્યું હતું કે તે હવે પછી ભારત વતી ટી-20 ફૉર્મેટમાં નહીં રમે.
વિરાટ પહેલી જ વાર વર્લ્ડ કપમાં ઓપનિંગમાં રમ્યો હતો. શરૂઆતથી છેક સેમિ ફાઇનલ સુધી તે ઓપનિંગમાં ફ્લૉપ રહ્યો હતો, પણ છેલ્લે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં તેની ખરી જરૂર હતી ત્યારે તે મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે 59 બૉલમાં 76 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: વર્લ્ડ ચૅમ્પિયનો સાથે પીએમ નરેન્દ્ર મોદીની ‘કપ પે ચર્ચા’
મ્હામ્બ્રેએ એક જાણીતા અંગ્રેજી દૈનિકની વેબસાઇટને કહ્યું છે કે ‘વિરાટ, રોહિત અને જાડેજાના રિટાયરમેન્ટના પ્લાન વિશે ટીમ-મૅનેજમેન્ટને અગાઉથી કોઈ જ જાણ નહોતી. તેમણે હેડ-કોચ રાહુલ દ્રવિડ સાથે અંગત રીતે એ વિશે ચર્ચા કરી હોય તો અલગ વાત છે, પણ ડ્રેસિંગ-રૂમમાં તેમના એ નિર્ણય વિશે કોઈને કશી ખબર નહોતી.
જોકે વિરાટ, રોહિત અને જાડેજાએ સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે. આખા વર્ષ દરમ્યાન ભારતનું ક્રિકેટ શેડ્યૂલ ખૂબ વ્યસ્ત હોવાથી તેમના માટે આ નિર્ણય લેવાનું આસાન તો નહીં જ બન્યું હોય. દરેક ખેલાડીએ રિટાયરમેન્ટનો નિર્ણય ક્યારેક તો લેવો જ પડતો હોય છે. કયા ફૉર્મેટમાં રમતા રહેવું અને કયું છોડી દેવું એ પણ પ્લેયરે પોતાને ઠીક લાગે એ સમયે નક્કી કરી લેવું પડતું હોય છે.’