પૅરા બૅડમિન્ટનમાં માનસી લડત આપીને હારી, તીરંદાજ શીતલની સારી શરૂઆત
પૅરિસ: અહીં દિવ્યાંગ ઍથ્લીટો-ખેલાડીઓ માટે શરૂ થયેલી પૅરિસ પૅરાલિમ્પિક્સમાં બૅડમિન્ટનમાં સુકાંત કદમ, સુહાસ યશિરાજ અને તરુણે પોતપોતાના વર્ગમાં પ્રથમ રાઉન્ડ જીતીને વિજયી આરંભ કર્યો હતો, પરંતુ માનસી જોશી અને મનદીપ કૌર સિંગલ્સની શરૂઆતની મૅચમાં પરાજિત થઈ હતી.
સુકાંતે મલેશિયાના મોહમ્મદ બુરહાનુદ્દીનને 17-21, 21-15, 22-20થી, સુહાસે ઇન્ડોનેશિયાના હિકમત રમદાનીને 21-7, 21-5થી તેમ જ તરુણે બ્રાઝિલના ઑલિવેરા ઝેવિયરને 21-17, 21-19થી હરાવ્યો હતો. માનસી જોશીનો ઇન્ડોનેશિયાની કૉનિટા સ્યાકુરોહને લડત આપ્યા પછી 21-16, 13-21, 18-21થી પરાજય થયો હતો. મનદીપ કૌરને નાઇજિરિયાની મરિયમ બૉલાજીએ 21-8, 21-14થી હરાવી હતી.
તીરંદાજીમાં ભારતની 17 વર્ષીય શીતલ દેવી (જેના બન્ને હાથ નથી અને પગથી તીર નિશાના પર છોડે છે) વ્યક્તિગત ઇવેન્ટના રૅન્કિંગ રાઉન્ડમાં બીજા નંબરે રહી હતી જેને પગલે તે સીધી 16 તીરંદાજની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ભારતની જ્યોતિ ગડેરિયા સાઇક્લિગંની 3,000 મીટરની હરીફાઈના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં દસમા નંબરે આવી હતી. તેણે આ અંતર ચાર મિનિટ, 53.929 સેક્ધડમાં પૂરું કર્યું હતું.