બેન્ગલૂરુમાં ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક ઝટકો!
બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયા માટે ગુરુવારનો દિવસ કોઈ રીતે સારો ન રહ્યો. પહેલા તો ઘરઆંગણે ભારતનો સૌથી નીચો ટેસ્ટ-સ્કોર (46/10) નોંધાયો અને ત્યાર બાદ બીજા દિવસની રમત ન્યૂ ઝીલૅન્ડના સન્માનજનક સ્કોર (180/3) સાથે પૂરી થઈ એ પહેલાં સ્ટાર ખેલાડી અને વિકેટકીપર રિષભ પંત અચાનક મેદાન પરથી જતો રહ્યો હતો.
વાત એવી છે કે ન્યૂ ઝીલૅન્ડની ઇનિંગ્સની 37મી ઓવરના છેલ્લા બૉલમાં પંતને ઘૂંટણમાં ઈજા થઈ હતી.
રવીન્દ્ર જાડેજાએ એ 37મી ઓવર કરી હતી. તેના અંતિમ બૉલમાં ઓપનર ડેવૉન કૉન્વે (91 રન) સ્ટ્રાઇક પર હતો. જાડેજાએ એ બૉલ કૉન્વેના ફૂટમાર્કની નજીક ફેંક્યો હતો. બૉલ અચાનક ઝડપથી ફરી ગયો હતો. કૉન્વેએ શૉટ મારવાની કોશિશ કરી, પણ એમાં તે નિષ્ફળ રહેતા બૉલ સ્ટમ્પ્સની નજીક થઈને વિકેટકીપર રિષભ પંત તરફ ગયો હતો.
બૉલ પંતના ઘૂંટણની કિનારી પર લાગ્યો હતો. બૉલ વાગતાં જ પંત નીચે પડ્યો હતો અને દુખાવાને કારણે ખૂબ પરેશાન લાગ્યો હતો. રમત અટકાવી દેવામાં આવી અને તરત જ ટીમ ઇન્ડિયાના ફિઝિયોથેરપિસ્ટ મેદાન પર દોડી આવ્યા હતા. પંત ઊભો નહોતો થઈ શક્તો.
આપણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી નીચા સ્કોર કયા છે જાણો છો? ચાલો, એક નજર કરી લઈએ…
ફિઝિયોના કહ્યા મુજબ પંતે એ પગનું પૅડ ઉતારી નાખ્યું હતું. પંત આ ઈજાને કારણે ત્યારે વધુ રમી નહીં શકે એવું લાગતાં તરત જ રિઝર્વ્ડ વિકેટકીપર ધ્રુવ જુરેલને બોલાવવામાં આવ્યો હતો. જુરેલ પૅડ પહેરીને ગણતરીની ક્ષણોમાં મેદાન પર પહોંચી ગયો હતો.
દરમ્યાન પંત ટીમના સપોર્ટ સ્ટાફની મદદથી મેદાનની બહાર ગયો હતો. વધુ ખેદજનક વાત એ છે કે પંતને જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને બે વર્ષ પહેલાંં કાર-અકસ્માતમાં તેને આ જ ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી અને તેણે એની સર્જરી કરાવી હતી.
ગુરુવારનો બીજો દિવસ પૂરો થઈ ગયો, પરંતુ શુક્રવારના ત્રીજા દિવસે શરૂઆતથી જ પંત વિકેટકીપિંગ કરવા પાછો મેદાન પર આવશે કે કેમ એમાં શંકા છે.
ગુરુવારે સવારે ભારતની ટીમ માત્ર 46 રનમાં ઑલઆઉટ થઈ ગઈ એમાં પંતના 20 રન સેક્ધડ-હાઇએસ્ટ હતા. એ 20 રન તેણે 78 મિનિટ સુધી ક્રીઝ પર ઊભા રહીને 49 બૉલમાં બે ફોરની મદદથી બનાવ્યા હતા.