પંકજ અડવાણીનું 14મું એશિયન ટાઇટલ, હવે અસાધારણ વિશ્વવિક્રમ હાથવેંતમાં

દોહાઃ સ્નૂકર અને બિલિયર્ડ્સના વિશ્વ વિજેતા ભારતના પંકજ અડવાણીએ અહીં એશિયન સ્નૂકર ચૅમ્પિયનશિપમાં 14મી વાર ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું હતું. તેણે ઇન્દોરમાં નૅશનલ સ્નૂકર ચૅમ્પિયનશિપ જીતી લીધી એના ગણતરીના દિવસો બાદ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ફલક પર ચમક્યો છે અને વિક્રમજનક 14મી વખત એશિયન ચૅમ્પિયન બન્યો છે.
પંકજ અડવાણી પાસે અઢળક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટ્રોફીઓ છે અને એમાં વધુ એક ટાઇટલ ઉમેરાયું છે. તે એશિયન કિંગ પણ છે અને માત્ર આ ખંડની વાત કરીએ તો તેની પાસે એશિયન સ્નૂકરના પાંચ ટાઇટલ તેમ જ એશિયન બિલિયર્ડ્સના નવ ટાઇટલ છે. એ ઉપરાંત તે બે વખત એશિયન ગેમ્સ (2006, 2010) જીતી ચૂક્યો છે.
દોહા ખાતેની એશિયન સ્પર્ધાની સંઘર્ષપૂર્ણ ફાઇનલમાં ઇરાનના અમીર સરખોશ સામે પંકજ અડવાણી શરૂઆતમાં પાછળ હતો, પણ તેણે માનસિક દબાણમાં પોતાની આગવી સ્ટાઇલમાં સરખોશને વળતો જવાબ આપીને 93 તથા 66ના બે્રક સાથે મુકાબલામાં પકડ જમાવી લીધી હતી. પંકજના સમજદારીભર્યા વ્યૂહ અને સચોટ પર્ફોર્મન્સ સામે સરખોશનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે પંકજે વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો : હું હવે પછી નિર્દોષ બાળકની જેમ રમવા માગું છુંઃ ક્રિકેટ-લેજન્ડે કેમ આવું કહ્યું?
પંકજ અડવાણી આ એશિયન ટ્રોફીના વિજય સાથે હવે એક અસાધારણ સિદ્ધિની નજીક પહોંચી ગયો છે. એક જ કૅલેન્ડર યરમાં નૅશનલ, એશિયન અને વર્લ્ડ બિલિયર્ડ્સ ચૅમ્પિયનશિપ જીતી ચૂકેલો અડવાણી સ્નૂકરમાં આ વર્ષ દરમ્યાન નૅશનલ અને એશિયન ટાઇટલ જીત્યો છે અને હવે આ વર્ષમાં પછીથી રમાનારી વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયનશિપ પણ જીતી લેશે એટલે ક્યૂ સ્પોર્ટ્સ તરીકે જાણીતી સ્નૂકર તથા બિલિયર્ડ્સ બન્ને રમતમાં તે એક જ વર્ષમાં ત્રણેય મોટા ટાઇટલ જીતનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો કહેવાશે.પ્રિન્સ ઑફ પુણે' તરીકે ઓળખાતા 39 વર્ષીય પંકજ અડવાણીએ દોહામાં ઇરાનના હરીફને ફાઇનલમાં પરાજિત કર્યા પછી કહ્યું,
ખાસ કરીને સ્નૂકરમાં મેળવેલું આ 14મું એશિયન ટાઇટલ હું સ્પેશિયલ ગણું છું. આ ટૂર્નામેન્ટ ખૂબ સંઘર્ષપૂર્ણ હતી, પરંતુ ગોલ્ડન ટ્રોફીઓમાં વધુ એકનો ઉમેરો કરીને હું ખૂબ રોમાંચિત થયો છું. આશા રાખું છું કે હું આ જ ફૉર્મ જાળવી રાખીશ અને દેશને ગૌરવ અપાવતો રહીશ.’