કોહલીએ ખૂબ દોડાવ્યા, પણ ઑસ્ટ્રેલિયા સામે તો પાકિસ્તાની ફીલ્ડરનું પૅન્ટ જ ઊતરી ગયું હતું! જુઓ વીડિયો

દુબઈઃ ફરી ફૉર્મમાં આવીને જો પાકિસ્તાન સામે ફટકાબાજી કરવાની હોય તો વિરાટ કોહલી એ તક ક્યારેય નથી ચૂકતો અને રવિવારે દુબઈમાં તેને વધુ એક મોકો મળ્યો હતો જેનો તેણે પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને વિક્રમી 51મી સદી (100 અણનમ, 111 બૉલ, 151 મિનિટ, સાત ફોર) ફટકારી દેવાની સાથે વન-ડેમાં સૌથી ઝડપે (સૌથી ઓછી 287 ઇનિંગ્સમાં) 14,000 રન પણ પૂરા કરવાની અપ્રતિમ સિદ્ધિ પણ મેળવી હતી.
કોહલીએ પાકિસ્તાનના ફીલ્ડર્સને ખૂબ દોડાવ્યા હતા. આ પ્રસંગે પાકિસ્તાની ટીમના એક ફીલ્ડરની ત્રણ મહિના પહેલાં હૉબાર્ટમાં ઑસ્ટ્રેલિયા સામે જે હાસ્યાસ્પદ હાલત થઈ હતી એનો વીડિયો અને ફોટો બે દિવસથી વાઇરલ થઈ રહ્યો છે.
રવિવારે કોહલી પાકિસ્તાનના કોઈ પણ બોલરના બૉલમાં સિક્સર નહોતો ફટકારી શક્યો, પરંતુ તેણે સાત ફોર જરૂર ફટકારી હતી. તેણે શુભમન ગિલ (46 રન) સાથે 69 રનની, શ્રેયસ ઐયર (56 રન) સાથે 114 રનની, હાર્દિક પંડ્યા (આઠ રન) સાથે નવ રનની અને અક્ષર પટેલ (ત્રણ અણનમ) સાથે 21 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
આપણ વાંચો: IND vs ENG 1st ODI: ઈંગ્લેન્ડે ટોસ જીતીને આ નિર્ણય કર્યો, વિરાટ કોહલી બહાર, આ બે ખેલાડી ડેબ્યૂ કરશે
મૅન ઑફ ધ મૅચ કોહલીએ એક અને બે રન ઘણી વાર લીધા હતા અને એ રીતે તેણે પાકિસ્તાની ફીલ્ડર્સને ખૂબ દોડાવ્યા હતા. કોહલીના મિજાજને પારખીને પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ઘણા ફીલ્ડર્સને દૂર-દૂર ફેલાવી દીધા હતા, પણ કોહલીએ નજીકના સ્થાને બૉલ મોકલતા રહીને છૂટક રન લેતા રહીને રનમશીન ચાલુ રાખ્યું હતું અને ભારતને 43 ઓવરની અંદર વિજય અપાવી દીધો હતો.
ત્રણ મહિના પહેલાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં સલમાન આગાના સુકાનમાં પાકિસ્તાની ટીમની બૂરી હાલત થઈ હતી. પાકિસ્તાન ત્યારે કાંગારુંઓ સામેની ટી-20 સિરીઝ 0-3થી હાર્યું હતું.
આપણ વાંચો: વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે
હૉબાર્ટમાં ત્રીજી ટી-20 ચાલી રહી હતી. પેસ બોલર જહાંદાદ ખાનની પાકિસ્તાન વતી એ પહેલી જ મૅચ હતી. એમાં તે બોલિંગને લીધે નહીં, પણ ફીલ્ડિંગમાં તેના કિસ્સામાં જે કંઈ બન્યું એને લીધે હાસ્યાસ્પદ થઈ ગયો હતો.
તેણે ઑસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મૅકગર્કની વિકેટ લીધી એ પહેલાં એક તબક્કે શાહીન શાહ આફ્રિદીના બૉલમાં જેક ફ્રેઝરે શૉટ માર્યો અને બૉલ બાઉન્ડરી લાઇન તરફ જઈ રહ્યો હતો ત્યારે જહાંદાદે ડીપ થર્ડ મૅન પર રૉકેટની જેમ મેદાન પર ડાઇવ મારીને બૉલ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે જેવી ડાઇવ મારી કે તેનું પૅન્ટ ઉતરી ગયું હતું અને તેનું અન્ડરવેઅર દેખાઈ ગયું હતું.
આસપાસમાં બેઠેલા પ્રેક્ષકો હસી પડ્યા હતા અને સ્વાભાવિક છે કે ટીવી પર આ મૅચ જોઈ રહેલા અસંખ્ય દર્શકોને પણ હસવું આવી ગયું હશે. જોતજોતામાં સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ ગયો હતો અને મીમ્સ બનવા લાગ્યા હતા.
જેક ફ્રેઝરને એમાં ફોરના ચાર રન મળી ગયા હતા. જોકે પછીથી જહાંદાદે જ તેને તેના 18 રનના સ્કોર પર આઉટ કરી દીધો હતો.
એ મૅચમાં પાકિસ્તાનના 117 રનના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 11.2 ઓવરમાં ત્રણ વિકેટે 118 રન બનાવીને મૅચ અને સિરીઝ જીતી લીધી હતી.
એ ઘટનાના વીડિયોને રવિવારની કોહલીની ઇનિંગ્સ સાથે સાંકળીને ફરી વાઇરલ કરાયો છે.