પાકિસ્તાનના હૉકી પ્લેયરોને, કર્મચારીઓને મહિનાઓથી પગાર નથી મળ્યો
લાહોર: પાકિસ્તાન હૉકી ફેડરેશનને સમયાંતરે મુશ્કેલીઓ નડતી જ રહેતી હોય છે. આ વખતે કંઈક નવી જ મુસીબત છે. આ ફેડરેશન પોતાના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર નથી ચૂકવી શક્યું. લાહોરમાં ફેડરેશનનું વડુ મથક છે અને કરાચીમાં એની સબ-ઑફિસ છે. બન્ને સ્થળે એના તમામ કર્મચારીઓ છ મહિનાથી પગારની રાહ જોઈ રહ્યા છે.
પરિણામ એ છે કે ફેડરેશનના કુલ 80 કર્મચારીઓ ગંભીર આર્થિક મુશ્કેલીમાં છે. છ મહિનાથી તેમને કોઈ પણ પ્રકારના તબીબી લાભ પણ નથી આપવામાં આવ્યા.
પાકિસ્તાન હૉકીમાં વધુ ખરાબ હાલત તો એ છે કે નૅશનલ સિનિયર પ્લેયરોને ચાર-પાંચ મહિનાથી કૉન્ટ્રૅકટ મુજબના પગાર તથા ભથ્થા નથી મળ્યા. તાજેતરમાં તેમણે ઓમાનમાં ઑલિમ્પિક ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં પણ ભાગ લીધો હતો, પણ તેમના પગારને નામે મીંડુ છે.
પાકિસ્તાન હૉકી સાથે સંકળાયેલા સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ‘પાકિસ્તાનના હૉકી કૅપ્ટન ઇમાદ શકીલ બટ અને અન્ય ખેલાડીઓનો પેમેન્ટ ન થવા બાબતમાં ટીમ મૅનેજમેન્ટ સાથે ખૂબ ઝઘડો થયો હતો અને એક તબક્કે બટે ફેડરેશનને ધમકી આપી હતી કે જ્યાં સુધી પેમેન્ટ નહીં થાય ત્યાં સુધી વધુ મૅચો નહીં રમે.
જોકે નવાઈની વાત એ છે કે આ ગંભીર પરિસ્થિતિ માટે કોણ દોષી છે એ વિશે પાકિસ્તાન હૉકીમાં કોઈને ખબર નથી.