હારીસ રૌફ બાદ હવે પાકિસ્તાની મહિલા ક્રિકેટરે પણ 6-0નો ઈશારો કર્યો! વિવાદ વકર્યો

દુબઈ: એશિયા કપ 2025ના સુપર-4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિવાદોથી ભરેલી રહી. પાકિસ્તાની ખેલાડીઓએ ભારતના ખેલાડીઓને ઉશ્કેરવાના વારંવાર પ્રયાસો કર્યા હતાં, આ ઉપરાંત પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રૌફે ભારતીય દર્શકો સામે આંગળીઓથી 6-0નો ઈશારો કરી વાંધાજનક હરકત કરી હતી. હવે પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીએ પણ આવી જ હરકત કરી છે.
એશિયા કપમાં ભારત સામેની મેચ દરમિયાન બાઉન્ડ્રી પાસે ફિલ્ડીંગ કરી રહેલા હારીસ રૌફે ભારતીય દર્શકો સામે 6-0નો ઈશારો કરીને એવું કહેવાનું પ્રયાસ કર્યો હતો કે જુલાઈ મહિનામાં ભારત-પાક સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની સેનાએ ભારતના 6 રાફેલ વિમાન તોડી પાડ્યા હતાં. રૌફે ભારતીય દર્શકો સામે હાથ વડે વિમાન તૂટી પડવાની એક્શન પણ કરી હતી. પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની નશરા સુંધુ (Nashara Sundhu) એ પણ કંઇક આવી જ હરકત કરી છે.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની ODI મેચમાં નશરા સુંધુએ શાનદાર પ્રદર્શન કરી છ વિકેટ લીધી હતી, આ સાથે ODI ક્રિકેટમાં 100 વિકેટ લેનાર સૌથી ઝડપી પાકિસ્તાની મહિલા ક્રિકેટર બની હતી. મેચમાં પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. મેચ બાદ તેણે એવોર્ડ સાથે 6-0 ઈશારો કર્યો. સુંધુએ સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કર્યો. આ સાથે તેણે પહેલાથી ચાલી રહેલા વિવાદને વેગ આપ્યો.
નોંધનીય છે કે એશિયા કપ 2025માં ભારતીય ટીમ પાકિસ્તાનને બે વખત હરાવી ચુકી છે, બંને મેચમાં પાકિસ્તાનને કારમી હાર મળી છે, ભારતીય ક્રિકેટરો ખુબ શાંત જણાઈ રહ્યા છે, પણ પાકિસ્તાની ખેલાડીઓનો વર્તણુક બદલાઈ નથી રહી. આ જ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે ત્રીજી વખત મેચ રમાઈ શકે છે, આ મેચમાં પણ સૂર્ય એન્ડ કંપની પાકિસ્તાનને ત્રીજી વાર ધૂળ ચટાડવા કાઢવા તૈયાર છે.
આ પણ વાંચો…IND VS PAK: મેચ જીત્યા પછી હાર્દિક પંડ્યાએ કોને હેન્ડશેક કર્યું, જુઓ વીડિયો