પાકિસ્તાની ક્રિકેટર ભારતના સમર્થનમાં, એક ઈમોજી પોસ્ટ કરીને માલદીવને લગાડ્યા મરચાં…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર માલદીવના પ્રધાનો દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી અત્યારે લાઈમલાઈટમાં છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજજુએ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ત્રણ પ્રધાનોને બરતરફ કરી દીધા હતા. પણ તેમ છતાં આ વિવાદ કંઈ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદમાં નામી હસ્તીઓએ વડા પ્રધાન મોદીને અને લક્ષદ્વીપને સમર્થન આપતી તેમ જ માલદીવને વખોડી કાઢતી પોસ્ટ કરી છે.
હવે આ જ શૃંખલામાં પાકિસ્તાની ક્રિકેટરે પણ ભારતને સમર્થન આપતી પોસ્ટ કરી છે. પાકિસ્તાનના આ ક્રિકેટરે કોઈ મોટી કે લાંબી લચક પોસ્ટ કરવાને બદલે એક ઈમોજી પોસ્ટ કરીને જ માલદીવને મરચા લગાડ્યા હતા. આવો જોઈએ કોણ છે આ ક્રિકેટર કે જેણે ભારતના સમર્થનમાં પોસ્ટ કરી છે.

ભારતના પૂર્વ સ્ટાર ક્રિકેટર દાનિશ કનેરિયાએ પીએમ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરતી પોસ્ટ કરતાં એક જ શબ્દ લખ્યો છે પણ એક શબ્દ અને એક જ ઈમોજી લખીને તેણે માલદીવને મરચાં લગાડ્યા હતા. કનેરિયાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે લક્ષદ્વીપ… આ સાથે જ તેણે ફાયરનું ઈમોજી પોસ્ટ કર્યું છે. આનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે કનેરિયાની આ પોસ્ટથી જ માલદીવને આગ લાગી ગઈ હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ આખા વિવાદમાં બોલીવૂડ સહિત ખેલજગતની નામી હસ્તીઓએ માલદીવ અને પીએમ મોદી પર બાબતે વિવાદાસ્પદ નિવેદન આપનારા પ્રધાનો સામે રોષની લાગણી વ્યક્ત કરતી પોસ્ટ કરી ચુક્યા છે.