બાબર આઝમે કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો! દક્ષિણ આફ્રિકા સામે રમી શાનદાર ઇનિંગ…

લાહોર: દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે રમાયેલી 3 T20I મેચની સિરીઝ પાકિસ્તાને 2-1થી જીતી લીધી છે, આ સિરીઝની છેલી મેચમાં પાકિસ્તાન દિગ્ગજ બેટર બાબર આઝમે ફિફ્ટી ફટકારી હતી, આ સાથે જ તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે, હવે બાબર T20Iમાં સૌથી વધુ વખત 50+ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે.
બાબર આઝમ લાંબા સમય બાદ દક્ષિણ આફ્રિકા સામેની T20I સિરીઝમાં પરત ફર્યો હતો. ત્રણ મેચની સિરીઝની પહેલી બેમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ છેલ્લી મેચમાં તેણે ફિફ્ટી ફટકારી અને ટીમને જીત આપવી.
કોહલીને પાછળ છોડ્યો:
છેલ્લી T20I મેચમાં બાબર આઝમે 47 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં તેણે 9 ચોગ્ગા ફટકાર્યા. આ સાથે, તે વિરાટ કોહલીને પાછળ છોડીને T20I ક્રિકેટમાં સૌથી વખત 50+ વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. T20I ક્રિકેટમાં બાબરે 40 વખત 50+ સ્કોર બનાવ્યો છે, જેમાં ત્રણ સદીનો પણ સમવેશ થાય છે, જ્યારે કોહલીએ 39 વખત 50+નો સ્કોર બનાવ્યો છે. નોંધનીય છે કે વિરાટે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પણ લઈ લીધી છે.

બાબર પાકિસ્તાનનો મેચ વિનર:
બાબર આઝમે વર્ષ 2016 માં T20I માં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ તેણે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે, તેણે T20I ક્રિકેટમાં કુલ 4,302 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને 37 ફિફ્ટીનો સમાવેશ થાય છે.
બાબર પાકિસ્તાની ટીમનો કેપ્ટન રહી ચુક્યો છે. તેની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ ઇંગ્લેન્ડે સામે હાર મળી હતી. બાબરની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની ટીમ 85 T20I મેચ રમી છે, જેમાં ટીમને 48માં જીત અને 29માં હાર મળી છે.



