સ્પોર્ટસ

બદમાશ પાકિસ્તાનને ટી-20 લીગ દુબઈમાં રાખવી છે, પણ આ મોટું વિઘ્ન આડું આવ્યું!

કરાચીઃ 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ નફ્ફટ પાકિસ્તાન (PAKISTAN) હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યા છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ ખોરવાઈ ગઈ છે અને ખોરવાયેલી આ સ્પર્ધા (પાકિસ્તાન સુપર લીગ)ની બાકીની મૅચો થોડા જ દિવસમાં દુબઈ (DUBAI)માં રાખવામાં આવશે એવી પાકિસ્તાનની ઈચ્છા હતી જે સફળ થાય એમ નથી.

કારણ એ છે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નું એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ECB) પાકિસ્તાનની વિનંતી સ્વીકારે એવી શક્યતા નથી. પીટીઆઇના અહેવાલ મુજબ ઇસીબીની નજીકના સૂત્રોએ સંકેત આપ્યો છે કે પાકિસ્તાને પીએસએલની બાકીની મૅચો દુબઈમાં રમાશે એવી જાહેરાત તો કરી દીધી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી જોતાં ખેલાડીઓની સલામતીનો પ્રશ્ન સર્વોપરિ રહેતો હોવાથી યુએઇનું બોર્ડ આ સ્પર્ધાનો બાકીનો રાઉન્ડ પોતાને ત્યાં રાખવા નથી માગતું.

આપણ વાંચો: આજે ટી-20 ટૂર્નામેન્ટમાં મુંબઈ, સૌરાષ્ટ્ર, બરોડામાંથી કોણ પહોંચશે સેમિ ફાઈનલમાં?

' એવું પણ જાણવા મળ્યું છે કે તાજેતરની ઘટનાઓ જોતાં યુએઇનું ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનના બોર્ડની પડખે રહેવા નથી માગતું. બીજી ખાસ વાત એ છે કે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું હેડ ક્વૉર્ટર દુબઈમાં છે અને એના અધ્યક્ષસ્થાને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય મહેતા છે જેઓ આઇસીસીમાં આવતાં પહેલાં પાંચ વર્ષ સુધી બીસીસીઆઇના સેક્રેટરીપદે હતા.

સૂત્રએ પીટીઆઇને એવું પણ જણાવ્યું હતું કે યુએઇ ક્રિકેટ બોર્ડના ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે થોડા વર્ષોથી બહુ સારા સંબંધો છે. ઉલ્લેખનીય છે કે 2021માં આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ભારતની મૅચો, આઇપીએલની ઘણી મૅચો તેમ જ 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ભારતની મૅચો દુબઈમાં રાખવામાં આવી હતી.

આપણ વાંચો: મહિલાઓના ધમાકેદાર ટી-20 વર્લ્ડ કપનો દિવસ નજીક આવી ગયો, જાણો ટૂર્નામેન્ટનું એ-ટુ-ઝેડ…

ભારતે જોરદાર વળતો હુમલો શરૂ કર્યો એટલે પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) રમવા આવેલા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન છોડી જવાની તૈયારીમાં હતા. પરિણામે, ગભરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) પોતાની આ ટૂર્નામેન્ટની બાકીની મૅચો દુબઈમાં રાખી દેવાનું તરત નક્કી કરી લીધું હતું.

મોટાભાગના વિદેશી ખેલાડીઓ દુબઈ પહોંચી રહ્યા છે અને હવે બાકી રહેલી આઠ મૅચો માટે નવું શેડ્યૂલ બનાવવામાં આવશે એવું પણ શુક્રવારે સવારે પાકિસ્તાનમાં નક્કી થયું હતું, પણ હવે યુએઇ એની વિનંતી ફગાવી દેશે એવી સંભાવના જોતાં પાકિસ્તાનના કરોડો ક્રિકેટપ્રેમીઓ હતાશ છે.

સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ` દુબઈ સહિત સમગ્ર યુએઇમાં ભારતના અસંખ્ય લોકો સહિત દક્ષિણ એશિયાના હજારો લોકો વસે છે અને હંમેશાં ક્રિકેટ એન્જૉય કરતા હોય છે. યુદ્ધ જેવી તંગદિલી વચ્ચે પાકિસ્તાનની અધૂરી ટૂર્નામેન્ટ રાખવાથી યુએઇમાં કોમી તંગદિલી જન્મ લઈ શકે તેમ જ ખેલાડીઓની સલામતી સામે જોખમ પણ ઊભું થઈ શકે.’

આપણ વાંચો: T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ

ગુરુવારે રાવલપિંડીમાં કરાચી કિંગ્સ અને પેશાવર ઝલ્મી વચ્ચે મૅચ રમાવાની હતી, પરંતુ પાકિસ્તાન લશ્કરે પોતાનું નાક બચાવવા ભારત સાથે યુદ્ધ શરૂ કરી દેતાં તમામ વિદેશી ખેલાડીઓ ડરી ગયા હતા અને પાકિસ્તાન છોડી જવાની તૈયારીમાં હતા ત્યારે પીસીબીના ચીફ મોહસિન નકવીએ તેમની (વિદેશી પ્લેયરો) સાથે મીટિંગ રાખીને જાહેરાત કરી હતી કે હવે આ ટૂર્નામેન્ટની બાકી રહેલી મૅચો યુએઈમાં (દુબઈમાં) રમાશે. જોકે દુબઈ નકવીની ઇચ્છા પર પાણી ફેરવી શકે.

મૂળ સમયપત્રક પ્રમાણે ચાર મૅચ રાવલપિંડીમાં, એક મુલતાનમાં અને બાકીની ત્રણ લાહોરમાં રમાવાની હતી.
પીએસએલની આ 10મી સીઝન છે. 2016માં પાકિસ્તાને યુએઈમાં જ પીએસએલનો આરંભ કર્યો હતો. 2021ની સાલમાં કોવિડ-19ને કારણે પણ પીએસએલ યુએઈમાં રાખવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button