સ્પોર્ટસ

પાકિસ્તાની ટીમના ઓપનરે બધાને ચોંકાવી દીધા! રનઆઉટ થયો એટલે બૅટ ફેંક્યું…

ડાર્વિન (ઑસ્ટ્રેલિયા): વિશ્વભરમાં હવે ટી-20 લીગ ટૂર્નામેન્ટનો રાફડો ફાટ્યો છે અને એમાં લગભગ દરેક દેશના નાના ખેલાડીને પણ રમીને બે પૈસા કમાઈ લેવાનો મોકો મળી જતો હોય છે.

જુઓને, આપણા દુશ્મન દેશ પાકિસ્તાનના ક્રિકેટરોને 2009ની સાલથી આઇપીએલમાં નથી રમવા મળતું એટલે તેઓ અન્ય કોઈ દેશમાં અપરિચિત સ્પર્ધા રમવા પણ પહોંચી જતા હોય છે.

ઑસ્ટ્રેલિયામાં એક ટી-20 સ્પર્ધા (ટૉપએન્ડટી20) ચાલે છે જેમાં પાકિસ્તાન શાહીન્સ (Pakistan Shaheens) નામની ટીમની બાંગ્લાદેશ `એ’ સામે એક મૅચ રમાઈ હતી જેમાં એક જોવા જેવી ઘટના બની ગઈ.

https://twitter.com/7Cricket/status/1955945399749108108

બન્યું એવું કે પાકિસ્તાન શાહીન્સના બે ઓપનર પિચ પર હતા. ઇનિંગ્સની 12મી ઓવરમાં ખ્વાજા મોહમ્મદ નફે (Nafay)એ શૉટ માર્યો અને બૉલ તેની નજીક લેગ સાઇડમાં ગયો ત્યાં તો સામેના છેડેથી યાસિર ખાન (Yasir Khan) દોડીને આવી ગયો હતો.

ખ્વાજા નફેને રન દોડવા જેવું ન લાગ્યું અને તેણે બૂમ પાડીને યાસિરને દોડી ન આવવા ચેતવ્યો પણ હતો, પરંતુ યાસિર ઘણો આગળ આવી ગયો હતો. બાંગ્લાદેશી ટીમના વિકેટકીપરે બૉલ ઊંચકીને સીધો બોલરને આપ્યો અને યાસિર પાછો ક્રીઝમાં આવે એ પહેલાં તો બેલ્સ ઊડાડી દેવામાં આવી હતી.

આ રનઆઉટની પહેલાં પાકિસ્તાન શાહીન્સ ટીમની ઇનિંગ્સ ખૂબ સારી રીતે આગળ વધી રહી હતી. બન્ને ખ્વાજા નફે અને યાસિરે 11 ઓવરમાં 110 રન બનાવ્યા હતા. જોકે યાસિરે રનઆઉટમાં વિકેટ ગુમાવી ત્યારે ખરો ડ્રામા શરૂ થયો હતો.

યાસિરે રનઆઉટ થતાં જ બૅટ ફેંકીને ખ્વાજા નફે પર ગુસ્સો કાઢ્યો હતો. જોકે નફેએ તેને કહ્યું કે ` આમાં મારો શું વાંક હતો? તારી ભૂલ હતી, તું કેમ દોડી આવ્યો?’

જોકે 54 રન કરનાર યાસિરની આ વિકેટ પાકિસ્તાન શાહીન્સને બહુ મોંધી નહોતી પડી, કારણકે છેવટે પાકિસ્તાન શાહીન્સનો વિજય થયો હતો. ખ્વાજા નેફેના 61 રનની મદદથી પાકિસ્તાન શાહીન્સે ચાર વિકેટે 227 રન કર્યા હતા. બાંગ્લાદેશ ` એ’ ટીમ 148 રન કરી શકતાં પાકિસ્તાની ટીમનો 79 રનથી વિજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button