પાકિસ્તાની કબડ્ડી ખેલાડીએ ભારતીય તિરંગો ખભે ઓઢ્યો એટલે તેના ફેડરેશને લીધું આ આકરું પગલું…

કરાચીઃ પાકિસ્તાનનો કબડ્ડી પ્લેયર ઉબઈદુલ્લા રાજપૂત (Rajput) આંતરરાષ્ટ્રીય ખેલકૂદ ક્ષેત્રે જાણીતો છે અને તેણે ભારત પ્રત્યે સહાનુભૂતિ બતાવી એ બદલ પાકિસ્તાનના ખેલકૂદ સત્તાધીશોએ તેની સામે કડક પગલું ભર્યું છે જેમાં તેના રમવા પર અનિશ્ચિત મુદત માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં બહરીનમાં એક પ્રાઇવેટ કબડ્ડી ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ઉબઈદુલ્લા રાજપૂતે છેલ્લી ઘડીએ થયેલા ફેરફારને પગલે ભારતીય ટીમ વતી ભાગ લીધો હતો. તે ભારતીય જર્સી પહેરીને રમ્યો હતો અને મૅચ જીત્યા પછી તેણે ખભા પર ભારતીય તિરંગો (Tricolour) પણ ઓઢ્યો હતો.

પાકિસ્તાન કબડ્ડી (Kabaddi) ફેડરેશને શનિવારે ખાસ મીટિંગ બોલાવીને એમાં ચર્ચા બાદ ઉબઈદુલ્લા રાજપૂત વિરુદ્ધ આકરું પગલું જાહેર કર્યું હતું. ફેડરેશનનું એવું પણ કહેવું છે કે ઉબઈદુલ્લાએ જરૂરી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ નહોતું મેળવ્યું તેમ જ અન્ય સત્તાવાળાઓની મંજૂરી પણ નહોતી લીધી.
ઉબઈદુલ્લાને આ ફેંસલા સામે અપીલ કરવાની છૂટ છે. તેણે કહ્યું છે કે ` આખો મામલો ગેરસમજને લીધે બન્યો છે. ટૂર્નામેન્ટમાં મારે જે ટીમ વતી રમવાનું છે એ ટીમ ભારતની છે એવું મને કહેવામાં જ નહોતું આવ્યું. મેં આયોજકોને વિનંતી કરી હતી કે ટીમોને ભારત અને પાકિસ્તાન નામ આપો જ નહીં.
ભૂતકાળમાં આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ પ્રાઇવેટ ટીમ વતી સાથે રમી ચૂક્યા છે. જોકે ત્યારે પણ બન્ને દેશના નામની ટીમ હતી જ નહીં. આ વખતે મારે ભારત નામવાળી ટીમ વતી રમવાનું છે એની મને ખબર જ નહોતી. તાજેતરના યુદ્ધ પછી હું ભારત વતી રમું એ સંભવ જ નથી. મને અંધારામાં રાખીને ટીમનું નામ અપાયું હતું.’
આ પણ વાંચો…પાકિસ્તાની ખેલાડી ભારતીય ટીમ વતી રમ્યો એટલે આવી બન્યું! તેણે ખુલાસામાં કહ્યું કે…



