સ્પોર્ટસ

પાકિસ્તાનના હૉકી ખેલાડીઓને હકના લાખો રૂપિયા નથી મળ્યા, ભંડોળ બીજે વાળી લેવાયું કે શું?

કરાચીઃ આતંકવાદીઓને તાલીમ આપીને ભારત સહિત અનેક દેશોમાં મોકલતું પાકિસ્તાન વિશ્વભરમાં બદનામ તો છે જ, પોતાના દેશના ખેલકૂદ ક્ષેત્રે પણ સત્તાધીશોનું નામ ખરાબ છે જેનો પુરાવો તેમના જ હૉકી ખેલાડીઓની કથની પરથી મળી જાય છે. તેમને લાંબા સમયથી હકના લાખો રૂપિયા નથી મળ્યા. પીટીઆઇના અહેવાલમાં જણાવાયું છે કે પાકિસ્તાનના હૉકી ફેડરેશનને સરકાર તરફથી પૂરતું ભંડોળ મળ્યું હતું, પરંતુ એ ખેલાડીઓ સુધી નથી પહોંચ્યું.

પાકિસ્તાન(Pakistan)ની રાષ્ટ્રીય હૉકી ટીમના એક ખેલાડીએ એવો દાવો કર્યો છે કે ` અમને ઘરઆંગણે તાલીમી શિબિરમાં ભાગ લેવા બદલ તથા બાંગ્લાદેશના પ્રવાસ તેમ જ એફઆઇએચ પ્રો લીગમાં ભાગ લેવા બદલ દૈનિક ભથ્થાં તરીકે જે પૈસા મળવા જોઈતા હતા એ હજી સુધી નથી મળ્યા. અમે પ્રો લીગ માટે આર્જેન્ટિના ગયા એ પહેલાં અમને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન સરકારે હૉકી ફેડરેશનને પૂરતું ભંડોળ આપ્યું હોવાથી અમારી બાકી નીકળતી બધી રકમ આપી દેવામાં આવશે, પરંતુ અમે પાછા આવી ગયા ત્યાર પછી પણ અમને હકની રકમ નથી આપવામાં આવી.’

આ પાકિસ્તાની પ્લેયરે એવું પણ કહ્યું કે ` અમને આપવાની નીકળતી રકમ લાખો રૂપિયામાં છે. અમે ક્રિકેટર નથી, અમારા માટે તો આ દૈનિક ભથ્થાંની રકમ પણ બહુ મોટી કહેવાય. વિદેશી લીગમાં રમવા બાબતમાં અમને તમામ ખેલાડીઓને કૉન્ટ્રૅક્ટ પણ નથી આપવામાં આવ્યો. એવું હોત તો પણ અમે બે પૈસા કમાઈ શક્યા હોત, પણ એવું નથી. અમે માત્ર અમારા હકના દૈનિક ભથ્થાં ઇચ્છીએ છીએ. એ મળી જવા જોઈએ.’

પાકિસ્તાનના હૉકી (Hockey) ફેડરેશન દ્વારા ખેલાડીઓનું બાકી નીકળતું ફંડ રિલીઝ નથી કરવામાં આવતું એ મુદ્દો જૂનો છે. ખેલાડીઓ સિલેક્ટ કરવા માટે જેમને મહિને નક્કી થયેલી રકમ આપવાની હોય છે એ પણ ન અપાઈ એવી આર્થિક મુશ્કેલી જોવા મળી છે. પાકિસ્તાનના કૅપ્ટન અહમદ શકીલ બટે કહ્યું છે, ` ખેલાડીને આર્થિક સુરક્ષા ન મળે તો તે હૉકીમાં કારકિર્દી બનાવવા માટે કેવી રીતે આગળ વધી શકે?’

આ પણ વાંચો…1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધના ફીલ્ડ માર્શલ સૅમ માણેકશાને હૉકી-ક્રિકેટની રમત ખૂબ પ્રિય હતી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button