ભારે કરી પાકિસ્તાનઃ ફૂટબોલની બનાવટી ટીમનો જાપાનમાં થયો પર્દાફાશ, 22 જણ પકડાયા

પાકિસ્તાનના કેટલાક લોકોની અજીબોગરીબ કરતૂતો ફરી ચર્ચામાં આવી છે, જેણે જાપાન જવા માટે એક આખી નકલી ફૂટબોલ ટીમ બનાવી દીધી! આ લોકોએ ખેલાડીઓના રૂપમાં વિઝા મેળવીને જાપાન પહોંચી ગયા, પણ ત્યાંના અધિકારીઓને શંકા થતા આખો ભેદ ખુલી ગયો. આ ઘટના એક ફિલ્મી દૃશ્ય જેવી લાગે છે, જ્યાં ચતુરાઈથી બનાવેલી યોજના અધૂરી રહી ગઈ.
નકલી ટીમનો જાપાન પ્રવાસ!
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ એક માનવ તસ્કરીના ગેરકાયદે ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે પોતાને પ્રોફેશનલ ફૂટબોલ ખેલાડીઓ તરીકે રજૂ કરીને જાપાનમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 22 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ખેલાડી હોવાનો ડોળ કરી રહ્યા હતા. જાપાનના ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને પકડીને પાછા પાકિસ્તાન મોકલી દીધા. આ લોકો પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન (PFF) સાથે જોડાયેલા હોવાનો દાવો કરતા હતા અને નકલી દસ્તાવેજો બતાવ્યા હતા.
આ લોકો પાસે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નકલી અનાપત્તિ પ્રમાણપત્રો (NOC) હતા, જેની મદદથી તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના અધિકારીઓએ પૂછપરછ દરમિયાન આ નકલી દસ્તાવેજોનો ભેદ ખોલ્યો. તેઓએ પૂરા ફૂટબોલ ખેલાડીઓના કપડાં પહેરીને આ યોજના બનાવી હતી. FIAના જણાવ્યા અનુસાર, આ લોકો પાકિસ્તાનના એરપોર્ટ પરથી કઈ રીતે ચેકિંગ વગર નીકળી ગયા તેની તપાસ ચાલુ છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.
માસ્ટરમાઇન્ડ અને નકલી ક્લબ
આ યોજનાનો મુખ્ય આરોપી સિયાલકોટના પસરૂરનો રહેવાસી મલિક વકાસ છે, જેણે ‘ગોલ્ડન ફૂટબોલ ટ્રાયલ’ નામની નકલી ફૂટબોલ ક્લબ બનાવી હતી. તેણે દરેક વ્યક્તિ પાસેથી 40 થી 45 લાખ રૂપિયા લઈને આ યોજના બનાવી હતી. FIAએ 15 સપ્ટેમ્બરે તેની ધરપકડ કરી, અને તેની સામે કેટલાય કેસ નોંધાયા છે. તપાસમાં ખુલાસો થયો કે આ પહેલી વાર નથી; જાન્યુઆરી 2024માં પણ વકાસે 17 લોકોને જાપાની ક્લબ બોવિસ્ટા એફસીના નકલી આમંત્રણ દ્વારા 15 દિવસના વિઝા પર જાપાન મોકલ્યા હતા, જેમાંથી કોઈ પાછું નથી ફર્યું.