સ્પોર્ટસ

જૂનાગઢમાં જન્મેલા આ પાકિસ્તાની ક્રિકેટરને જન્મસ્થાન જોવાની ઇચ્છા થઈ છે!

એજબૅસ્ટન/નવી દિલ્હીઃ જૂનાગઢમાં જન્મેલો એક છોકરો છ વર્ષની ઉંમરે પરિવાર સાથે પાકિસ્તાન જતો રહ્યો હતો, એ દેશ વતી ક્રિકેટર રમ્યો અને ટીમનો કૅપ્ટન પણ બન્યો હતો, પણ ઘણા વર્ષોથી તેઓ બ્રિટનમાં રહે છે અને હવે તેમને જન્મસ્થાન જૂનાગઢ (Junagadh) જોવાની તીવ્ર ઇચ્છા થઈ છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન મુશ્તાક મોહમ્મદ (Mushtaq Mohammed) 81 વર્ષના છે. તેઓ એજબૅસ્ટન (Edgbaston)માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટના ચોથા દિવસે સ્ટેડિયમમાં ટાઇ પહેરીને આવ્યા હતા જેના પર ભારતીય ધ્વજ જોવા મળ્યો હતો. આ તિરંગો એ દેશનો હતો જે દેશ તેમણે 75 વર્ષ પહેલાં છોડી દીધો હતો. જૂનાગઢમાં જન્મેલા મુશ્તાક મોહમ્મદ ઘણા વર્ષોથી ઇંગ્લૅન્ડના બર્મિંગમમાં રહે છે. અહીં તેઓ ખૂબ ખુશ છે, પણ તેમને જૂનાગઢ જોવાની ખૂબ ઇચ્છા છે.

સ્પિન-ઑલરાઉન્ડર મુશ્તાક મોહમ્મદે 15 વર્ષની ઉંમર પાર કર્યા બાદ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ 1959થી 1979 દરમ્યાન પાકિસ્તાન વતી 57 ટેસ્ટ અને 10 વન-ડે રમ્યા હતા. તેમણે 57 ટેસ્ટમાં 10 સેન્ચુરી સહિત કુલ 3,643 રન કર્યા હતા અને 79 વિકેટ લીધી હતી. 10 વન-ડેમાં તેમને એક પણ વિકેટ નહોતી મળી અને એ મૅચોમાં તેમણે કુલ 209 રન કર્યા હતા. તેમના ભાઈ હનીફ મોહમ્મદ અને સાદિક મોહમ્મદ સહિત ચાર ભાઈઓ અને ભત્રીજા મુશ્તાક મોહમ્મદ પણ ભૂતપૂર્વ ક્રિકેટર છે.

મુશ્તાક મોહમ્મદ ખેલાડી તરીકેની કરીઅર દરમ્યાન બે વખત ભારત આવ્યા હતા. 1961માં તેઓ સિરીઝમાં રમવા અને 1978માં અમદાવાદમાં દિલીપ સરદેસાઈના લાભાર્થે રમાયેલી મૅચ રમવા આવ્યા હતા. અગાઉના એ બન્ને પ્રવાસ વખતે તેઓ જૂનાગઢ જવા માગતા હતા, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને કારણે નહોતા જઈ શક્યા. હવે તેઓ જૂનાગઢની મુલાકાત લેવાની દાયકા જૂની ઇચ્છા પૂરી કરવા માગે છે.

જોકે તેઓ બર્મિંગમમાં રહેવા છતાં મૂળ પાકિસ્તાની હોવાથી તેમને ભારતના વિઝા મળવા મુશ્કેલ છે. વર્ષો પહેલાં તેઓ બિશનસિંહ બેદીની પુત્રીના લગ્નમાં હાજરી આપવા ભારત આવવા માગતા હતા, પણ ત્યારે તેમને સમયસર વિઝા નહોતા મળી શક્યા. મુશ્તાક મોહમ્મદ નાનપણમાં જ ગુજરાત છોડી ગયા હતા. તેઓ ગુજરાતી ભાષા સમજી શકે છે, પણ બોલી નથી શકતા.

તેઓ બિશનસિંહ બેદીના ખાસ મિત્ર હતા. બેદીનું 2023માં 77 વર્ષની ઉંમરે નિધન થયું હતું. મુશ્તાક મોહમ્મદે એજબૅસ્ટનમાં એક મુલાકાતમાં કહ્યું, બેદી મજાકિયા સ્વભાવના હતા. અમે નૉર્ધમ્પ્ટનશરમાં છ વર્ષ સુધી સાથે રમ્યા હતા. અમારા બન્ને પરિવાર વચ્ચે પણ બહુ સારા સંબંધો છે. હું તાજેતરમાં જ લંડનમાં બેદીના પરિવારજનોને મળ્યો હતો. ઝહીર અબ્બાસ પણ ત્યારે ત્યાં હતા.’ મુશ્તાક મોહમ્મદે એવું પણ કહ્યું કે સુનીલ ગાવસકર પણ મારા બહુ સારા મિત્ર છે. મારા સમયમાં ગાવસકર સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન હતા. તેમણે 1971ની સાલમાં વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ પુષ્કળ રન કર્યા હતા અને એ પણ હેલ્મેટ પહેર્યા વગર.

ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષી ક્રિકેટ-સંબંધો ફરી શરૂ થાય એવી ઇચ્છા વ્યક્ત કર્યા બાદ મુશ્તાક મોહમ્મદે ભારત વિશે તેમ જ ભારતના વર્તમાન ક્રિકેટરો વિશે કહ્યું છે કે ` ભારત સાથે તો કોઈ પણ દેશ ક્રિકેટ રમવાનું પસંદ કરે. રિષભ પંત મારી દૃષ્ટિએ ભારતનો શાહિદ આફ્રિદી છે. જોકે તેના હાથમાં બૅટ આવે ત્યારે તે આફ્રિદીથી પણ સારું પર્ફોર્મ કરે છે. હું આઇપીએલ પણ ખૂબ રસપૂર્વક જોઉં છું. હું વિરાટ કોહલી અને શુભમન ગિલનો પણ પ્રશંસક છું. મને લાગે છે કે વિરાટ હજી બે વર્ષ રમશે. તેણે ટેસ્ટ રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું. કોણ જાણે કેમ તેણે ટેસ્ટમાંથી કેમ સંન્યાસ લઈ લીધો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button