ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્યો મોટો દાવો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટો દાવો કર્યો હતો. તેણે હોસ્ટિંગ મેળવવાની પુષ્ટી કરી હતી. પીસીબીએ હોસ્ટિંગ રાઈટ્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આમ છતાં પાકિસ્તાન આ મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે.
બીસીસીઆઈના અત્યાર સુધીના વલણ પર નજર કરીએ તો તે પોતાની ટીમને ત્યાં રમવા નહીં મોકલે. તેણે એશિયા કપ માટે પણ પોતાની ટીમ મોકલી નહોતી. આ સંજોગોમાં પાકિસ્તાને હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજન કરવું પડ્યું હતું.
પીસીબીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) સાથે દુબઈમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે હોસ્ટિંગ રાઈટ્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટુર્નામેન્ટ માટેના કરાર પર ઝકા અશરફે હસ્તાક્ષર કર્યા હતા, જેઓ હાલમાં પીસીબી સંભાળનારી ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના વડા છે.
પીસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈસીસી હેડક્વાર્ટર ખાતે એક કાર્યક્રમમાં પીસીબી મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ઝકા અશરફ સાથે આઈસીસી જનરલ કાઉન્સિલ જોનાથન હોલે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાને છેલ્લે 1996માં આઈસીસી ઈવેન્ટનું આયોજન કર્યું હતું. પાકિસ્તાને ભારત અને શ્રીલંકા સાથે વન-ડે વર્લ્ડ કપની યજમાની કરી હતી.