પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફનો ઓડિયો લીક, કોના વિરુદ્ધ રચાયું ષડયંત્ર?
ઇસ્લામાબાદઃ ભારતમાં આયોજિત આઇસીસી વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના તત્કાલિન કેપ્ટન બાબર આઝમે રાજીનામું આપી દીધું હતું. બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દીધી હતી. જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટના સમગ્ર મેનેજમેન્ટમાં પણ ફેરફાર કર્યા હતા.
પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ શાન મસૂદને સોંપવામાં આવી હતી અને ટી-20 ટીમની કેપ્ટનશીપ શાહીન શાહ આફ્રિદીને સોંપવામાં આવી હતી.
પાકિસ્તાની મીડિયામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વચગાળાના વડા ઝકા અશરફનો એક ઓડિયો લીક થયો છે, જેમાં ઝકા અશરફ બાબર આઝમ પર કેપ્ટનશિપ છોડવા માટે દબાણ કરી રહ્યો હોવાનો દાવો કરી રહ્યો છે.
આ લીક થયેલો ઓડિયો સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે બાબર આઝમ પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવા માટે કેવા સંજોગો તૈયાર થયા હતા. આ ઓડિયોમાં ઝકા અશરફ કહી રહ્યા છે કે મેં બાબરને ટેસ્ટ કેપ્ટન રહેવા કહ્યું અને કહ્યું કે હું તેને વન-ડે અને ટી-20ના કેપ્ટન પદેથી હટાવવાનું વિચારી રહ્યો છું. આના પર બાબરે મને કહ્યું કે તે તેના પરિવાર સાથે આ અંગે વાત કરશે અને પછી પોતાનો નિર્ણય આપશે.