પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા રાજકારણ ગરમાયું! વિપક્ષે BCCI અને સરકાર પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: બાંગ્લાદેશના સમર્થનમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ભારત સામે મેચ મેચ નહીં રમવાનો નિર્ણય કર્યો છે. ભારતનાં રાજીકીય નેતાઓ પાકિસ્તાનના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર અને BCCIની ટીકા કરી રહ્યા છે.
BCCIના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને સમર્થન આપ્યું. તેમણે કહ્યું, “જ્યાં સુધી અમે ICC સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી BCCI તેના પર કોઈ ટિપ્પણી નહીં કરે.”
રાજકીય હસ્તક્ષેપ અંગે શશિ થરૂર નારાજ:
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પાકિસ્તાનના નિર્ણયને ખૂબ જ શરમજનક ગણાવ્યો છે. શરૂરે કહ્યું કે ક્રિકેટમાં રાજકીય હસ્તક્ષેપ નિયંત્રણ બહાર જઈ રહ્યો છે.
એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા શશી થરૂરે કહ્યું, “મુસ્તફિઝુરને કોલકાતા તરફથી (IPLમાં) રમવાનો ઇનકાર કરવો જોઈતો ન હતો. આ નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતું. આ રાજકીય હસ્તક્ષેપ છે…પાકિસ્તાન બાંગ્લાદેશને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યું છે,”
થરૂરે કહ્યું કે, “રમતગમત, ખાસ કરીને ક્રિકેટ લોકોને એકસાથે લાવે છે. ક્રિકેટ સાથે સંબંધિત તમામ સંસ્થા માટે આ એક ચેતવણી છે. ICC કંઇક કરી શક્યું હોત, તમે હંમેશા આ રીતે કામ ન કરી શકો.”
“BCCIને શરમ આવવી જોઈએ’
કોંગ્રેસના નેતા ઉદિત રાજે કેન્દ્ર સરકાર અને BCCIની ટીકા કરતા કહ્યું, “ભારત હવે કેમ આજીજી કરી રહ્યું છે? શરમ આવવી જોઈએ. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે કોણે ક્રિકેટ રમ્યું? ભારત રમ્યું હતું. જે ઉત્તર પ્રદેશ જેટલો નાનો દેશ પાકિસ્તાન આપણી સામે આંખો કાઢીને કહી રહ્યો છે કે તેમની ટીમ આપણી સામે નહીં રમે. આ આપણી રાજદ્વારી નિષ્ફળતા છે.”
BCCIના મોઢા પર થપ્પડ:
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું “પાકિસ્તાને હજુ સુધી ટ્રોફી સોંપી નથી. હવે PCBએ ભારત સામે મેચ રમવાનો ઇનકાર કર્યો છે. તેઓ દંડ ચૂકવવા અને તમામ સંસ્થાઓના પરિણામોનો સામનો કરવા તૈયાર છે. આ ભારતના રમતગમત પ્રધાન અને બીસીસીઆઈના મોઢા પર થપ્પડ છે. BCCI સૌથી ધનિક ક્રિકેટ સંસ્થા હોવા છતાં, તેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ભારત જ્યારે કડક વલણ અપનાવવાની જરૂર હતી ત્યારે ભારત નિર્ણય લઇ શક્યું નહીં.”
ભારતે પાસે તક હતી!
તૃણમુલ કોંગ્રેસ (TMC)ના સાંસદ કીર્તિ આઝાદે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ટીકા કરતા કહ્યું પાકિસ્તાન જાણે છે કે તે ભારત સામે જીતી નહીં શકે, આથી પોતાની લાજ બચાવવા માટે PCBએ મેચનો બહિષ્કાર કર્યો છે. આપણી પાસે પહેલા પણ તક હતી, આજે પાકિસ્તાન જેવો નિષ્ફળ દેશ આપણી સામે રમવાનો ઇનકાર કરી રહ્યો છે.



