ક્રિકેટરે 40 ઓવર સુધી 42 ડિગ્રી ગરમીમાં ફીલ્ડિંગ કરી અને પછી મેદાન પર જ છેલ્લા શ્વાસ લીધા

ઍડિલેઇડઃ પાકિસ્તાની મૂળના ક્રિકેટર જુનૈલ ઝફર ખાન નામનો ક્રિકેટર શનિવારે ઑસ્ટ્રેલિયાના ઍડિલેઇડ શહેરના કૉન્કોર્ડિયા કૉલેજ ઓવલ ગ્રાઉન્ડ પર લગભગ 42 ડિગ્રી તાપમાન વચ્ચે રમતી વખતે ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.
આ ક્લબ સ્તરની મૅચ હતી જેમાં જુનૈલે 40 ઓવર સુધી ફીલ્ડિંગ કરી હતી અને પછી સાત ઓવર બૅટર તરીકે ક્રીઝ રહ્યો હતો. આ મૅચ દરમ્યાન તાપમાન 41.7 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. જુનૈલ ઑલ્ડ કૉન્કોર્ડિયન્સ ક્રિકેટ ક્લબ વતી પ્રિન્સ આલ્ફ્રેડ ઑલ્ડ કૉલેજિયન્સ સામેની મૅચમાં રમી રહ્યો હતો ત્યારે આ કરુણ ઘટના બની હતી. જુનૈલ અચાનક ઢળી પડ્યા બાદ તેને ફરી ભાનમાં લાવવા તબીબી ટીમના મેમ્બર્સે ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ તે ભાનમાં નહોતો આવ્યો.
સ્થાનિક મીડિયામાં જણાવાયું હતું કે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને જુનૈલ ઉપવાસ કરી રહ્યો હતો. જોકે તબિયત સારી ન હોય તો થોડું-થોડું પાણી પી શકાય એવા પોતાના ધર્મમાં મળતી છૂટછાટને આધારે જુનૈલે દિવસ દરમ્યાન કેટલીક વાર પાણી પીધું હતું એટલે તેને ડિહાઇડ્રેશન જેવી કોઈ સમસ્યા નહોતી એવું જણાવાયું હતું.
40 વર્ષની ઉંમર ઓળંગી ચૂકેલો જુનૈલ 2013ની સાલમાં ટેક્નોલૉજી ક્ષેત્રે કરીઅર બનાવવાના હેતુથી પાકિસ્તાનમાંથી ઍડિલેઇડમાં સ્થાયી થયો હતો.
જુનૈલના બે મિત્રો હસન અંજુમ અને નજમ હસન તેમના આ વહાલા મિત્રના મૃત્યુ બદલ આઘાતમાં હતા અને તેમણે કહ્યું હતું કે `જુનૈલ સ્વભાવનો ખૂબ સારો હતો. તેની ખોટ અમને સદા વર્તાશે.’