પાકિસ્તાનને ફોડવો હતો બૉમ્બ, પણ થઈ ગયું સુરસુરિયું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાનને ફોડવો હતો બૉમ્બ, પણ થઈ ગયું સુરસુરિયું

દુબઈમાં આબરૂના ધજાગરાં થયા, માગણીઓ ફગાવી દેવાતાં નાક કપાઈ ગયું અને આઇસીસી સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા

અજય મોતીવાલા

મુંબઈઃ પાકિસ્તાનના ખેલાડીઓ ટી-20 એશિયા કપમાં ક્રિકેટ રમવાના હેતુસર જ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આવ્યા, પરંતુ તેમને અહીં મોકલનાર ડ્રામેબાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb)ને દુબઈમાં નાટકના ખેલ ખેલવાનું મન થયું અને ચાર દિવસમાં તેમણે અનેક-અંકી નાટક ભજવ્યાં અને છેવટે તેમણે શરમજનક સ્થિતિમાં જ મુકાઈ જવું પડ્યું. ચાર દિવસ દરમ્યાન તેમણે આક્ષેપ કરીને, મનઘડંત માગણીઓ કરીને તેમ જ ધમકીઓ આપીને એક પછી એક ` બૉમ્બ ફોડવાનો’ મનસૂબો ઘડ્યો હતો, પરંતુ છેવટે છડેચોક તેમનું સૂરસૂરિયું થઈ ગયું.
પાકિસ્તાની ટીમ યુએઇ આવી એ અગાઉ સૌથી પહેલાં તો પીસીબીએ દાટ વાળ્યો હતો. એણે એના બે દિગ્ગજો બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ડ્રૉપ કર્યા અને સલમાન અલી આગાના સુકાનમાં એવી મામૂલી ટીમને યુએઇ મોકલી જેણે ઓમાન સામેની પહેલી જ મૅચમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી અને પછી વિજય મેળવ્યો હતો.

સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં યુએઇ આવેલી ટીમ ઇન્ડિયાને રવિવાર, 14મી સપ્ટેમ્બરે દુબઈના લીગ મુકાબલામાં હરાવવાનો પણ બદઇરાદો પાકિસ્તાની ટીમનો હતો, પરંતુ એમાં પણ તેઓ નિષ્ફળ ગયા. ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ભારતને હરાવીને તેઓ ક્રિકેટજગતને ચોંકાવી નાખનારો બૉમ્બ ફોડવા માગતા હતા જે ન થઈ શક્યું. ભારતીય ટીમે સાત વિકેટે જીતીને પાકિસ્તાનનું સુરસુરિયું કરી નાખ્યું.

એ મૅચ પહેલાં ટૉસ વખતે સૂર્યકુમારે પાકિસ્તાની સુકાની સાથે હાથ તો નહોતા મિલાવ્યા, તેની સામે જોયું પણ નહોતું. ભારતના વિજય બાદ સમગ્ર ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવ્યા એટલે પાકિસ્તાનીઓને ફરી પોતાનું અપમાન થયું હોવાની ઘૂરી ઉપડી. ભારતીય ખેલાડીઓએ એ યાદગાર વિજય પહલગામમાં શહીદ થયેલા હિન્દુ સહેલાણીઓને સમર્પિત કર્યો હતો.

પાકિસ્તાની ટીમને ભારત સામેની હાર હજમ નહોતી થઈ. પીસીબીએ વિવાદ શરૂ કરી દીધો અને આક્ષેપ કર્યો કે ટૉસ વખતે મૅચ-રેફરી ઍન્ડી પાઇક્રૉફ્ટે બન્ને ટીમના સુકાનીઓને હાથ ન મિલાવવાની સૂચના આપીને પ્રૉટોકૉલનો ભંગ કર્યો હતો. એવું કહીને પીસીબીએ માગણી કરી કે પાઇક્રૉફ્ટ હવે પછી પાકિસ્તાનની મૅચમાં રેફરી તરીકે ન જોઈએ. જોકે આઇસીસીએ એની ઉપરાઉપરી બે વિનંતી ફગાવી દીધી એટલે એણે (પાકિસ્તાને) બુધવારે યુએઇ સામેની મૅચ પહેલાં સમગ્ર એશિયા કપના બહિષ્કારનું નાટક શરૂ કરી દીધું હતું, પીસીબીએ પોતાના ખેલાડીઓને હોટેલમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી હતી. જોકે આઇસીસી સાથેની લાંબી ચર્ચા બાદ પીસીબીની લીલી ઝંડી મળતાં પાકિસ્તાનની ટીમ દુબઈના સ્ટેડિયમ પર પહોંચી હતી.
જે કંઈ હોય, ઍન્ડી પાઇક્રૉફ્ટને એશિયા કપમાં પોતાની મૅચોના મૅચ-રેફરીના હોદ્દેથી હટાવવાની માગણી ફગાવી દેવાઈ અને યુએઇ સામેની મૅચમાં પાઇક્રૉફ્ટને જ હોદ્દા પર જાળવી રાખવામાં આવ્યા એટલે પાકિસ્તાનની આબરૂના ધજાગરાં થઈ ગયા.

પાકિસ્તાની ટીમે રવિવારે ભારત સામેની મૅચ પછી પત્રકાર પરિષદ રદ કરીને વધુ એક ડ્રામા કર્યો હતો અને પાઇક્રૉફ્ટ સામે પગલાં નહીં લેવાય તો અમે એશિયા કપમાં વધુ નહીં રમીએ એવી લૂલી ધમકી આપી હતી જેમાં છેવટે બુધવારે પાકિસ્તાને જ ઊંધા માથે પટકાવું પડ્યું છે.

રવિવારે પાકિસ્તાની સુકાની સલમાન આગા સાથે હાથ ન મિલાવવા બદલ સૂર્યકુમાર યાદવ પાકિસ્તાની ટીમની માફી માગે એવી માગણી પણ કરનાર પાકિસ્તાન બોર્ડનું યુએઇમાં નાક કપાઈ ગયું છે. ભારતીય ક્રિકેટમાં એવી પણ ચર્ચા હતી કે પાકિસ્તાને 21મી સપ્ટેમ્બરે સુપર-ફોરમાં ફરી ભારત સામે રમવાનું હતું એટલે એમાં પણ પરાજય થતાં આબરૂના ફરી કાંકરા થાય એવું ધારીને એશિયા કપનો બહિષ્કાર કરવાનું નાટક કર્યું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button