પાકિસ્તાનને ફટકોઃ પાકિસ્તાનના બેટિંગ કોચ મોહમ્મદ યુસુફ ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે જશે નહીં…

લાહોરઃ પાકિસ્તાન ટી-20 સીરિઝ માટે ન્યૂ ઝીલેન્ડનો પ્રવાસ કરશે. પાકિસ્તાનના બેટિંગ કોચ મોહમ્મદ યુસુફ ટીમ સાથે ન્યૂ ઝીલેન્ડ જશે નહીં. તેમની પુત્રીની બીમારીને કારણે તેમણે ન્યૂ ઝીલેન્ડ પ્રવાસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
આ પ્રવાસ માટે ભૂતપૂર્વ કેપ્ટન યુસુફને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ને જાણ કરી છે કે તેઓ પ્રવાસમાંથી હટી રહ્યા છે. પીસીબીએ જણાવ્યું હતું કે બુધવારે ટીમ ન્યૂ ઝીલેન્ડ જવા રવાના થશે ત્યારે યુસુફના બદલે કોઇ અન્ય નામની જાહેરાત કરવામાં આવશે નહીં.
આપણ વાંચો: India સામેની વન-ડે અને ટી ટવેન્ટી-20 સીરિઝ માટે શ્રી લંકાએ કરી કોચની જાહેરાત
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ યુસુફને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચના ન્યૂ ઝીલેન્ડ પ્રવાસ માટે બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ન્યૂ ઝીલેન્ડ પ્રવાસ પછી મુખ્ય કોચના પદ માટેની જાહેરાત આપવાની યોજના જાહેર કરી છે, કારણ કે તેઓ ટીમ માટે કાયમી નિમણૂક માંગે છે. હાલમાં યુસુફ પીસીબીની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં વરિષ્ઠ કોચ તરીકે સેવા આપે છે.