નેશનલસ્પોર્ટસ

પદમાકર શિવાલકર ભારત વતી રમ્યા નહોતા છતાં દેશના મહાન સ્પિનર્સમાં ગણાતા હતા

589 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ સ્પિનરનું 84 વયે નિધન

મુંબઈ: મુંબઈના મહાન ક્રિકેટર પદમાકર શિવાલકરનું સોમવારે 84 વર્ષની વયે નિધન થયું હતું. આ લેફટ-આર્મ સ્પિનરને ભારત વતી એક પણ મૅચ નહોતી રમવા મળી એમ છતાં તેમની ગણના દેશના મહાન સ્પિનર્સમાં થતી હતી.

શિવાલકરે પ્રથમ કક્ષાની 124 મૅચમાં 589 વિકેટ લીધી હતી. તેમની ગણતરી દેશની ડોમેસ્ટિક ક્રિકેટના સૌથી સફળ લેફ્ટ-આર્મ સ્પિનર રાજિન્દર ગોયલ સાથે થતી હતી. મૂળ હરિયાણાના રાજિન્દર ગોયલે 157 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 750 વિકેટ લીધી હતી. ગોયલનું 2020ની સાલમાં 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

એવું કહેવાય છે કે શિવાલકર અને ગોયલની કરીઅર 1960થી 1980ના દાયકા દરમ્યાન દેશના ગ્રેટેસ્ટ લેફ્ટ-આર્મ સ્પિનર બિશન સિંહ બેદીના સમયકાળમાં હોવાથી એ બંને મહાન સ્પિનરને ભારત વતી રમવાનો મોકો નહોતો મળી શક્યો.
ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે કહ્યું છે કે ‘મને એક વાતનો અફસોસ રહી ગયો છે કે હું ભારતીય ટીમનો કેપ્ટન હતો એ સમયકાળ દરમ્યાન ગોયલ સા’બને કે પૅડી (પદમાકર શિવાલકર)ને ભારતીય ટીમમાં સમાવવા વિશે એ સમયના સિલેક્ટરોને સમજાવવામાં નિષ્ફળ ગયો હતો.’

2017ની સાલમાં બીસીસીઆઈએ ગોયલ અને પદમાકરને કર્નલ સી.કે. નાયુડુ લાઈફટાઈમ અચિવમેન્ટ અવૉર્ડથી નવાજ્યા હતા.

પદમાકરનો જન્મ 1940માં અને ગોયલનો જન્મ 1942માં થયો હતો. ગાવસકરે એક મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે ‘મારી દ્રષ્ટિએ બિશન સિંહ બેદી ગ્રેટેસ્ટ સ્પિનર છે અને તેમના જ યુગમાં આ બન્ને મહાન સ્પિનર પદમાકર અને ગોયલ થઈ ગયા હોવાથી તેમને ભારત વતી કરીઅર શરૂ કરવાનો મોકો નહોતો મળી શક્યો. નહીં તો તેઓ બંને પણ ભારત વતી ઘણી ટેસ્ટ મૅચો રમ્યા હોત.’

મુંબઈ સૌથી વધુ 42 વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે. એમાં 1965થી 1976 દરમ્યાન મુંબઈ એક સીઝન છોડીને લાગલગાટ દરેક સીઝનમાં રણજીના 10 ટાઇટલ જીત્યું હતું અને એ દસેદસ ખિતાબ જીતનાર મુંબઈની ટીમમાં પદમાકર શિવાલકર હતા. 1987-88ની સીઝનમાં તેમણે 47 વર્ષની ઉંમરે મુંબઈની ટીમમાં કમબૅક કર્યું હતું અને બે મૅચ રમ્યા હતા. પદમાકર શિવાલકરે 1962ની સાલમાં મુંબઈ વતી ડેબ્યૂ કર્યું હતું. ત્યારે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઈ)ની પ્રેસિડન્ટ્સ-ઇલેવન ટીમમાં તેમનો સમાવેશ થયો હતો. એ ટીમને ત્યારે ઑસ્ટ્રેલિયાના પ્રવાસે મોકલવામાં આવી હતી જ્યાં તેમણે ઇન્ટરનેશનલ ઇલેવન સામેની એક મૅચમાં કુલ સાત વિકેટ લીધી હતી. એ સમયની હરીફ ટીમમાં બૉબ સિમ્પસન, ટૉમ ગ્રેવેની, કૉલિન કાઉડ્રી, રિચી બેનો અને સોની રામધીન જેવા મહાન ખેલાડીઓ સામેલ હતા.

આ પણ વાંચો…IND vs AUS: આજના સેમિફાઇનલમાં કેવી રહેશે પિચ? વાંચો વેધર રીપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ

પદમાકરે ડૉમેસ્ટિક ક્રિકેટમાં 589માંથી 361 વિકેટ રણજી ટ્રોફીમાં લીધી હતી અને મુંબઈના તમામ બોલર્સમાં તેમનો આ રેકોર્ડ છે. 16 રનમાં આઠ વિકેટ તેમનો બેસ્ટ પર્ફોર્મન્સ હતો. તેમણે આ આઠ વિકેટ 1972માં તામિલનાડુ સામેની મૅચમાં લીધી હતી. મુંબઈએ એ મૅચ બે દિવસમાં જીતી લીધી હતી.

તેમણે 42 વખત દાવમાં પાંચ વિકેટ અને 13 વખત મૅચમાં 10 વિકેટની સિદ્ધિ મેળવી હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશન (એમસીએ) સહિત અનેક દ્વારા પદમાકરને સોમવારે ભાવપૂર્ણ અંજલિ આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button